ત્રણ ટીનેજરને પાર્લર પર પડેલું દૂધનું કેરેટ ઉઠાવીને ભાગવું ભારે પડી ગયું
અમદાવાદ, નારોલ વિસ્તારમાં ટીનેજર ક્રિકેટ રમવા જતા હતા ત્યારે દિયા પાર્લર પરથી દૂધનું કેરેટ એક્ટિવામાં નાખીને લઇ જવું ભારે પડી ગયું છે. દિયા પાર્લરના માલિકે ત્રણ ટીનેજરને કેરેટ લઇ જતા જાેયા. ટીનેજર ભાગવા જતા હતા ત્યારે પાર્લરના માલિકે એક ટીનેજરને કારથી ટક્કર મારીને સ્ટમ્પ વડે મૂઢ માર મારી હાથ પગ લોહી કાઢ્યું હતું. આ સમયે અન્ય બે મિત્રો ભાગી ગયા હતા.
નારોલમાં આવેલ નંદનવન રેસિડેન્સીમાં રહેતા ઉષાબહેન ચતુર્વેદીએ દિયા પાર્લરના માલિક અને તેમના બે મિત્રો વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઇકાલે સવારના પાંચ વાગ્યાની આસપાસ ઉષાબહેનનો પંદર વર્ષીય દીકરો આકર્ષ તેના મિત્રો રિશી અને શિવાંશ એક્ટિવા લઇને એઆઇએમ ઇન્ટરનેશનલ સ્કૂલની પાછળ ક્રિકેટ રમવા માટે ગયા હતા.
થોડી વાર પછી ઉષાબહેનની સોસાયટીના સિક્યોરિટીએ તેમના ઘરે આવીને કહ્યું કે તમારા દીકરા આકર્ષને શ્રીનાથ રેસિડેન્સીમાં આવેલ દિયા પાર્લરના માલિકે માર માર્યો છે. આમ કહેતાં ઉષાબહેન તાત્કાલિક ત્યાં ગયા હતા અને ઉષાબહેને જઇને જાેયું તો તેમના દીકરાના બંને હાથે તેમજ પગે ઇજાઓ થઇ હતી.
જેથી ઉષાબહેન તેમના દીકરાને આ અંગે પુછતા તેણે કહ્યું કે અમે ક્રિકેટ રમવા માટે ગયા હતા. ત્યારે દિયા પાર્લરની સામે પડેલ અમૂલ દૂધના કેરેટમાંથી એક કેરેટ દૂધ મિત્રની એક્ટિવાની ડેકીમાં નાખતા હતા. જેથી પાર્લર માલિક આકર્ષ અને તેના મિત્રોને જાેઇ ગયા હતા. જેથી ટીનેજર ત્યાં એક્ટિવા મૂકીને ભાગતા હતા.
તે સમયે દિયા પાર્લરના માલિકે કાર તેમની પાછળ દોડાવીને આકર્ષને ટક્કર મારી પાડી દીધો હતો. જેથી તેના બંને હાથે ઇજાઓ થઇ હતી. ત્યારબાદ આકર્ષને પાર્લર ઉપર લઇ જઇને પાર્લરના માલિક અને અન્ય વ્યક્તિઓએ સ્ટમ્પ વડે ફટકા મારીને લોહીલુહાણ હાલતમાં કરી દીધો હતો. ત્યારબાદ ઉષાબહેન દીકરાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા.
સારવાર દરમિયાન આકર્ષના હાથમાં ટાંકા આવ્યા હતા. ઉષાબહેને દીકરા પર કારથી ટક્કર તેમજ ડંડા વડે ફટકા મરાયા હોવાથી નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે દિયા પાર્લરના માલિક અને અન્ય બે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.