ત્રણ દરવાજા પાસે ભોંયરામાં લાગેલી આગ પર ૧૫ કલાકની જહેમત બાદ સંપૂર્ણ કાબુ કરાયો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક ટ્યુટોરિયલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે રાત્રે ૮ વાગ્યા આસપાસ લાગેલી આગ પર ૧૫ કલાકની જહેમત બાદ કાબુ કરી શકાયો છે. ભોંયરામાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા માટે ૧૧૨ થી વધુ ફાયરકર્મીઓ અને ૩૯ જેટલી ફાયરની ગાડીઓની મદદ લેવાઈ હતી.
અમદાવાદમાં આખરે ૧૫ કલાકની જહેમત બાદ લાલ દરવાજા નજીક ટ્યુટોરિયલ માર્કેટના ભોંયરામાં લાગેલી આગ પર કાબુ કરી શકાયો છે. ત્રણ દરવાજા નજીક આવેલ ટ્યુટોરિયલ માર્કેટના બેઝમેન્ટમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આગ લાગવાનું પ્રાથમિક કારણ ભોંયરામાં રાખવામાં આવેલા આર્ટિફિશ્યલ ફુલોને કારણે આગ ફેલાઈ હતા.
બેઝમેન્ટની નજીક આવેલા એસડી ફ્લાવર નામના ગોડાઉનમાં આર્ટિફિશ્યલ ફુલોનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તેના કારણે આગ પ્રસરીને અન્ય ગોડાઉન સુધી ફેલાઈ હતી.
વેપારીઓએ સમયસૂચક્તા વાપરીને નજીકના ફાયર સ્ટેશનને ફોન કરી તાત્કાલિક બોલાવી લેતા જાનમાલનું નુકસાન થતુ અટકાવ્યુ હતુ. ફાયર અધિકારીના જણાવ્યા મુજબ જો થોડો પણ વિલંબ થયો હોત તો આ આગ બેઝમેન્ટમાંથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી કે પહેલા માળ સુધી ફેલાઈ હોત અને તેના કારણે આસપાસની ૨૫૦ થી ૩૦૦ દુકાનો તેની ચપેટમાં આવી ગઈ હોત.
સાંકડી જગ્યા અને ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાને કારણે ફાયરના જવાનોને આગ પર કાબુ કરવામાં ભારે પરેશાની અને જહેમત ઉઠાવવી પડી હતી. ટ્યુટોરિયલ માર્કેટમાં ૧૨૦થી વધુ દુકાનો આવેલી છે. ભોંયરામાંથી બહાર આવેલો ધુમાડો માર્કેટમાં ફેલાતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.