ત્રણ દિવસમાં નશામાં ફરતા ૧૬૭ અમદાવાદીઓ ઝબ્બે
અમદાવાદ, ભારતના લોકો પશ્ચિમના તહેવારોને પણ હવે સરળતાથી અપનાવી રહ્યા છે, જેમાં નાતાલનો તહેવાર પણ એવો થઈ ગયો છે જેને ભારતમાં અલગ-અલગ રીતે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.
વાત ગુજરાતની કરીએ તો અહીં દારુબંધી હોવા છતાં નાતાલના તહેવારોમાં બ્લેકમાં દારુની માંગ વધી જાય છે. આવામાં પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને નશો કરીને રખડતા લોકોને ઝડપી લેવા માટે ડ્રાઈવ શરુ કરી છે. જેમાં અમદાવાદ પોલીસે ૩ દિવસની અંદર નોંધાયેલા કુલ કેસમાં ૫૩% કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધ્યા છે.
નવા વર્ષ દરમિયાન રાજ્યના નીતિ-નિયમો અને કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ત્રણ જ દિવસમાં દારુનો નશો કરીને વાહન ચલાવતા ૧૬૯ લોકો સામે કાર્યવાહી કરી છે. આ ૧૬૯માંથી ૫૩% લોકો પશ્ચિમ અમદાવાદ ઝડપાયા છે. શનિવારે પહેલા દિવસે ૩૪ લોકો પકડાયા હતા જેમાં ૩૪ દારુ પીને વાહન હંકારી રહ્યા હતા, જ્યારે રવિવારે ૪૯ અને સોમવારે ૮૬ લોકો પકડાયા હતા.
આ અંગે અધિકારી જણાવે છે કે, નાઈટ કર્ફ્યૂના નિયમોના ભંગના કિસ્સા પણ વધી ગયા છે. સોમવારે નાઈટ કર્ફ્યૂ તોડનારા ૧૩૩ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના ડીજી આશિષ ભાટિયા જણાવે છે કે, અમે વિજીલન્સ અને સ્પેશિયલ ડ્રાઈવ રાજ્યભરમાં શરુ કરાઈ છે, જેમાં નશો કરીને વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. આ સિવાય બૂટલેગરો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે.
એડિશનલ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) પ્રેમવીર સિંઘ જણાવે છે કે, કોરોનાના કેસમાં વધારો થતા કર્ફ્યૂનો સમય વધારીને રાત્રે ૧૧થી શરુઆત કરાય છે, આવામાં શહેરની પોલીસ ખડેપગે છે. ખાસ કરીને નશો કરીને વાહન ચલાવતા અને કર્ફ્યૂના નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, “શહેરમાં ડ્રાઈવ શરુ થઈ ગઈ છે અને જેમાં ૧૩,૦૦૦ પોલીસકર્મી કે જેમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનોનો સમાવેશ થાય છે, તેઓ આખા શહેરમાં નજર રાખી રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે સઘન પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે.
નવા વર્ષની પૂર્વ સંધ્યામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા વધી જતા હોય છે તેના પર પણ નજર રાખવામાં આવશે. શી ટીમો આ દરમિયાન કાર્યરત રહેશે અને ગુનો કરનારી મહિલાઓ સામે કાર્યવાહી કરશે.
અધિકારી આ અંગે વાત કરતા જણાવે છે કે, ૧૬૯ કેસમાંથી ૫૭ ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુના ટ્રાફિક પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે, જ્યારે ૧૧૨ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવ્યા છે. ૧૧૨માંથી સૌથી વધારે ૨૬ કેસ ઝોન-૬ પોલીસ દ્વારા નોંધાયા છે, જેમાં ઈસનપુર, વટવા, મણિનગર, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ પોલીસ સ્ટેશન આવે છે. જ્યારે ૨૩ કેસ ઝોન-૨માં નોંધાયા છે જેમાં ચાંદખેડા, માધવપુર, રાણીપ, સાબરમતી, કારંજ અને શાહપુરનો સમાવેશ થાય છે.SSS