Western Times News

Gujarati News

ત્રણ મહિનામાં આગની સાત ઘટના, ૧૪ દર્દીનાં મોત થયા

રાજકોટ: રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ ૩૩ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.

જે ૩૩ દર્દીઓ પૈકી ૧૧ દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા ૧૧ પૈકી ૬ જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા ૨૨ દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ત્રણ ઑક્ટોબરે રાજ્યમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલી હૉસ્પિટલોને જાણે અકસ્માતનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદની હ્રદય હૉસ્પિટલમાં કોવિડના દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા હતા. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર છે. અમદાવાદના ટાઉન હૉલ વિસ્તારમાં આવેલી હ્રદય કૉવિડ હૉસ્પિટલમાં ઑક્સિજન લીકેજની ઘટના બની હતી.

જોકે, બનાવ બનતાની સાથે જ દર્દીઓને સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા. હૉસ્પિટલ તંત્રના દાવા મુજબ સબ સલામત હતા. ૨૯ સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર ખાતે આવેલી કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી જેવા પામી છે. આ પહેલા અમદાવાદ, જામનગર ખાતે હૉસ્પિટલોમાં આગ લાગી ચૂકી છે. હવે સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, અહીં સદનસિબે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા કોઈ જાનહાની થઈ ન હતી. બીજી તરફ સુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલ સતત કોઈને કોઈ કારણને લીધે વિવાદમાં આવતી રહે છે. દર્દીની સારવાર હોય, ઓક્સિજન હોય કે પછી ગંદકીની વાત હોય, ગાંધી સિવિલ હૉસ્પિટલ હંમેશા ચર્ચામાં રહી છે. છ ઓગસ્ટે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગને કારણે કોરોનાનાં ૮ દર્દીઓનાં મોત થયા હતા.

આગ આઈસીયૂમાં લાગી હતી. આગની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત હૉસ્પિટલના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ૧૨ ઓગસ્ટે છોટાઉદેપુરના બોડેલી ખાતે આવેલી કોવિડ ૧૯ હૉસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી.

આ આગ શોર્ટ-સક્રિટને કારણે લાગી હતી. વહેલી સવારે આ આગ લાગી હતી. બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલને કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવી છે, અહીં તાલુકાના પોઝિટિવ દર્દીઓને રિફર કરવામાં આવે છે.

વહેલી સવારે કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ હતા ત્યારે એક રૂમમાં સોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે બાદમાં દર્દીઓને એ રૂમમાંથી બીજા રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૫ ઓગસ્ટે સૌરાષ્ટ્રના પ્રથમ ક્રમની અને ગુજરાતની બીજા ક્રમની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ એવી જી.જી.હૉસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. આગ આઈસીસીયુની બાજુમાં આવેલા ઇકો કાર્ડિયોગ્રામ રૂમમાં લાગી હતી. આગને કારણે ઇકો મશીન બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ અહીં સારવાર લઈ રહેલા નવ દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

૨૬ ઓગસ્ટે સાબરકાંઠાના એક પીએચસીમાં આગની બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે હિંમતનગરના હડિયોલ પીએચસીમાં આગ લાગી હતી. પીએચસીના એક રૂમમાં આગ લાગી જતાં આખા દવાખાનામાં ધૂમાડાની અસર જોવા મળી હતી. સ્ટાફને આ અંગેની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હિંમતનગર ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી જઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ-સર્કિટ કહેવામાં આવી રહ્યું છે. અહીં સારવાર લઈ રહેલી એક માતા અને બાળકને બચાવી લેવામાં આવ્યા છે. ૮ સપ્ટેમ્બરઃ વડોદરાની સર સયાજીરાવ હૉસ્પિટલના આઈસીયુમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અહીં એક વેન્ટિલેટરમાં આગ લાગી ગઈ હતી. આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં ક્રિટિકલ કેરમાં ૧૫૦થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.