ત્રણ મહિનામાં આઠ એકિટવા ચોરનાર ત્રણ વિધાર્થી પકડાયા
(એજન્સી)અમદાવાદ, વાહન ઉપર ફરવાનો શોખ પુરો કરવા માટે ૩ મહિનામાં ૮ એકિટવાની ચોરી કરનાર સ્કુલના ૩ વિધાર્થીની પોલીસે ધરપકડ કરી હતી. જાે કે ચોરી કરેલા એકટીવા તેઓ બિનવારસી હાલતમાં મુકી દેતા હતા.
ઝોન-૭ એલસીબી પીએસઆઈ જે.બી.પરમાર અને સ્ટાફે જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તા પાસેથી એકિટવા પર પસાર થઈ રહેલા ૩ કિશોરોને ઝડપી લીધા હતા. તેમની પાસેના એકિટવા વિશે પોલીસે પુછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા.
જેથી પોલીસે તપાસ કરતા તે એકિટવા ચોરી થયેલું હોવાનું જાણવા મળ્યું હતું ઝડપાયેલા ત્રણેય કિશોર ભુદરપુરામાં આવેલા ઔડાના મકાનમાં રહેતા અને ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કરતા હતા. જુદા જુદા વાહન ફેરવવાનો શોખ પુરો કરવા તેઓ ડુપ્લીકેટ ચાવીથી એકિટવા ચોરતા હતા.
એક એકિટવા સાથે પોલીસે તેમને રંગે હાથ પકડયા જયારે અન્ય ૩ એકિટવા તેમણે માણેકબાગ ચાર રસ્તા પાસે એક જૂના બંધ પડેલા બંગલામાં મુકી રાખ્યા હતા. અન્ય ૪ બિનવારસી હાલતમાં મૂકયા બાદ તેના અસલ માલીકો લઈ ગયા હતા. ત્રણેય વિધાર્થી એકિટવા ચોરી કરવા માટે પથી૬ ડુપ્લીકેટ ચાવી સાથે રાખતા હતા. જે પણ ચાવી લાગી જાત તે એકિટવા ચોરી કરીને ત્રણેય ફરવા નીકળી જતા હતા ફર્યા બાદ તે વાહનને બિનવારસી હાલતમાં ગમે ત્યાં મુકી દેતા હતાં.