ત્રણ મહિના ભીષણ ગરમીનું એલર્ટ, ૧૬ રાજ્યોમાં હીટવેવની અસર દેખાશે

એપ્રિલ-જૂન મહિના સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે
ભારતમાં વીજળીની માંગ ૯થી ૧૦% વધી શકે છે, કારણ કે ગરમીના દિવસોની સંખ્યા વીજળીના વપરાશમાં વધારો કરશે
નવી દિલ્હી,
એપ્રિલથી જૂન સુધી ભારતમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા હોવાથી લોકોએ ૩ મહિના સુધી તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરતા જણાવ્યું હતું કે, મધ્ય અને પૂર્વ ભારત તેમજ ઉત્તર-પશ્ચિમમાં સામાન્ય કરતાં વધુ દિવસ સુધી હીટવેવની અસર જોવા મળશે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ આગાહી કરતા જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. જોકે, પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી ઉપર રહેશે.
ગરમીના દિવસોની સંખ્યા બમણીઃ મહાપાત્રાના જણાવ્યા અનુસાર એપ્રિલથી જૂન દરમિયાન ઉત્તર અને પૂર્વ ભારત, મધ્ય ભારત અને ઉત્તરપશ્ચિમ મેદાનોમાં સામાન્ય કરતાં બેથી ચાર દિવસ હીટવેવની વધુ અસર જોવા મળી શકે છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન ભારતમાં ચારથી સાત દિવસ તીવ્ર ગરમીનો અનુભવ થાય છે.૧૬ રાજ્યોમાં સૌથી વધુ અસર દેખાશેઃ અગાઉ IMDના એક અધિકારીએ પણ કહ્યું હતું કે, સામાન્ય રીતે ઉનાળા દરમિયાન ૫-૬ દિવસ એવા હોય છે જ્યારે સૌથી વધારે ગરમી પડતી હોય છે. પરંતુ આ વખતે ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવના દિવસોથી સંખ્યા બમણી થઈ શકે છે. રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ ઉપરાંત કર્ણાટક અને તમિલનાડુના ઉત્તરીય ભાગોમાં ગરમીના દિવસો સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
એપ્રિલમાં ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. જોકે, દક્ષિણ અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તાપમાન રહી શકે છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ઉનાળામાં ભારતમાં વીજળીની માંગ ૯થી ૧૦% વધી શકે છે, કારણ કે ગરમીના દિવસોની સંખ્યા વીજળીના વપરાશમાં વધારો કરશે. ગયા વર્ષે ૩૦ મેના રોજ દેશની વીજળીની માંગ ૨૫૦ ગીગાવોટ (GW)થી વધુ પહોંચી ગઈ હતી, જે અપેક્ષા કરતા ૬.૩% વધુ હતી. આબોહવા પરિવર્તનને કારણે વધતી ગરમી વીજળીની માંગમાં વધારો થવાનું મુખ્ય કારણ બની રહી છે.