ત્રણ મ્યુનિસિપલ હોસ્પિટલોનું ખાનગીકરણ કરવાની તૈયારી
અમદાવાદ : શહેરની જાણીતી વીએસ હોસ્પિટલ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની એલજી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને આંખની નગરી હોસ્પિટલનું ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અમ્યુકો સત્તાધીશો દ્વારા આ ત્રણેય હોસ્પિટલોનું કામકાજ પ્રોફેશનલ ખાનગી એજન્સીઓને કામ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ૨૬૩ નર્સ અને ૬૮૧ જેટલા પેરામેડિકલ સ્ટાફની ભરતી હાથ ધરવામાં આવશે. પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે અમ્યુકો દ્વારા ટેન્ડર બહાર પણ પાડી દેવાયું છે.
આગામી દિવસોમાં અમ્યુકો તંત્ર દ્વારા આ ત્રણેય હોસ્પિટલમાં ખાનગીકરણના ધોરણે કોન્ટ્રાકટ બેઝ સ્ટાફ અને ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં સૌથી વધુ ૧૫૦ જેટલી નર્સની ભરતી એલજી હોસ્પિટલમાં કરવામાં આવશે. વીએસ હોસ્પિટલને નવી એસવીપી બાદ હવે આ ત્રણેય હોસ્પિટલ પ્રાઇવેટ સેકટર પ્રોફેશનલ્સ દ્વારા ચલાવવામાં આવશે. ૪૪ જેટલા અલગ અલગ કામ માટે એલજી હોસ્પિટલમાં ૩૨૯, શારદાબહેનમાં ૨૭૮ અને નગરી હોસ્પિટલમાં ૭૪ મળી કુલ ૬૮૧ લોકોની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
તો, ૫૬ જેટલા જુનીયર કલાર્કની કોન્ટ્રાકટ બેઝ પર ભરતી કરવામાં આવશે. ત્રણેય હોસ્પિટલોને બે વર્ષ માટે પ્રોફેશનલ એજન્સીઓને કોન્ટ્રાકટ પર સોંપી ખાનગીકરણની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવામાં આવશે. બીજીબાજુ, અમ્યુકો દ્વારા એક પછી એક હોસ્પિટલોને ખાનગીકરણ કરવાના નિર્ણયનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.