ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે આપ્યું રાજીનામુ

નવી દિલ્હી, ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલ સત્યદેવ નારાયણને સોંપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે મીડિયાને કહ્યું કે, તેમના માટે પાર્ટીનો નિર્ણય સર્વોપરી છે. હાઈકમાન્ડના કહેવા પર તેમણે પોતાનું પદ છોડી દીધું છે. જોકે, તેમણે નવા સીએમ કોણ હશે તેના સવાલ પર કોઈ જવાબ નથી આપ્યો.
વિપ્લવ દેવને લઈને સંગઠનમાં નારાજગી ચાલી રહી છે. બે ધારાસભ્યોએ પાર્ટી પણ છોડી દીધી હતી. વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને બીજેપી કોઈ રિસ્ક લેવા નથી માંગતી. આગામી વર્ષ 2023માં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની તર્જ પર ત્રિપુરામાં મંત્રીથી લઈને સંગઠન સુધીમાં મોટા ફેરફારો થઈ શકે છે. રાજીનામા બાદ તેઓ સંગઠનમાં કોઈ પદ સંભાળી શકે છે.
વિપ્લવના રાજીનામા બાદ સાંજે બીજેપી ધારાસભ્ય દળની બેઠક પણ યોજાશે જેમાં નવા સીએમને લઈને ચર્ચા થશે. બીજી તરફ ભૂપેન્દ્ર યાદવ અને વિનોદ તાવડેને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે.
વિપ્લવ દેવ 2018માં સીએમ બન્યા હતા. આગામી વર્ષે ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ચૂંટણી પહેલા ભાજપ પાર્ટીને મજબૂત બનાવવા માટે નવા ચેહરાને રાજ્યની કમાન સોંપવાનું પગલું ઉઠાવ્યું છે.