ત્રિભોવન નગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/53-1024x559.jpeg)
ભિલોડા ગ્રામ પંચાયતની કામગીરી સામે આક્રોશ :
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ભિલોડા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે ત્રિભોવન નગર સોસાયટીમાં ઠેર ઠેર વરસાદી પાણી સતત ભરાયેલા રહેતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.માખી, મચ્છરોનો પણ ઉપદ્રવ રહેતો હોવાથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે વરસાદી પાણીનો નિકાલ કરવામાં ગ્રામ પંચાયત ઉણી ઉતરી ઉતરતા અને તળાવથી લઈ તપોવન વિદ્યામંદિર સુધીના મુખ્યમાર્ગ પર પડેલા ખાડાઓ અને તેમજ રોડની આજુબાજુ ઝાડી-ઝાંખરા ઉંગી નીકળતા અકસ્માતનો ભય પેદા થતા તેમની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવેની માંગ સાથે તલાટીને આવેદનપત્ર આપી તંત્ર દ્વારા આ અંગે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ભિલોડા શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદે વિરામ લઇ લીધો છે ત્યારે હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાની બુમરાડો ઉઠી રહી છે. ખાસ કરીને ત્રિભોવન નગર સોસાયટી ની આજુબાજુ પાણી ભરાઈ રહેતા તેમજ તેમના વિસ્તારમા આવેલા ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા મિની તળાવડા સર્જાયા છે. છેલ્લા એક અઠવાડીયા કરતા વધુ સમયથી આ વરસાદી પાણી ભરાયેલા રહેતા તેમજ તેમાં કચરો ભળતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે
જેના કારણે માખી, મચ્છરોનો પણ ખુબ જ ઉપદ્રવ રહે છે અને રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે આથી આ વિસ્તારમાં રહેતા લોકો રોગચાળાનો ભોગ બને તે પહેલા તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પમ્પ મુકી ઝડપથી પાણીનો નિકાલ કરવાની માંગ કરી હતી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/bhiloda-nagarpalika-scaled.jpeg)