Western Times News

Gujarati News

ત્રિશુળીયા ઘાટ ઉપર વ્યું પોઇન્ટનું લોકાર્પણ કરી નીતીન પટેલે માતાજીના દર્શન કર્યા

અંબાજી: વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જાેડતા દાંતા થી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૨૦ કરોડની માતબર રકમથી પૂર્ણ કરવામાં આવ્યું છે. અંબાજીને જાેડતા આ ચારમાર્ગીય રસ્તો, ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ વ્યું પોઇન્ટનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્તિપીઠ અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુંઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદથી અંબાજી, ડીસા-પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જાેડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકાસવવું એ આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ધાર્મિક સ્થળ યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે, દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર-નવાર અકસ્માતો થતાં હતાં આ રસ્તાને ચારમાર્ગીય બનાવવાથી અકસ્માતોને નિવારી શકાશે અને યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થશે. ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધા બનાવાઇ છે.
યાત્રાધામ અંબાજીમાં અંબિકા ભોજનાલય ખાતે જય જલિયાણ ફાઉન્ડેશન તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના દ્વારા માઇભકતો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદનું સદાવ્રત શરૂ કરવામાં આવેલ છે. જય જલિયાણ સદાવ્રતની મુલાકાત લઇ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે માઇભક્તોને ભોજન પિરસ્યું હતું તથા યાત્રિકોને મળી નિઃશુલ્ક ભોજન સદાવ્રત અંગે પ્રતિભાવો પણ મેળવ્યાં હતાં.

આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભા સંસદ સભ્યશ્રી દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટરશ્રી આનંદ પટેલ, જય જલિયાણ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઇ કોટક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.એમ.પંડ્યા સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.