ત્રીજા તબક્કાના મતદાન માટે ભરૂચ લોકસભાના ૧૭ લાખથી વધુ મતદારો મતદાન કરશે
કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત ઃ પવડી,મોડલ,સખી અને યુવા મતદાન મથકો ઉભા કરાયા
ભરૂચ, ભરૂચ લોકસભા બેઠક ઉપર ૭મી મે ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે તે માટેની તમામ સુવિધા સાથે તમામ મતદાન મથકો ઉપર મેડકિલ,સીસીટીવી સહિત તમામ સુવિધાઓ સાથે આખરી ઓપ આપ્યો છે અને ભરૂચ લોકસભા બેઠક ઉપર ૧૮૯૩ મતદાન મથકો ઉપર ૧૭ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૧૩ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.
ભરૂચ લોકસભા બેઠક ઉપર કુલ હરીફ ૧૩ ઉમેદવારો માટે ૭ મી મેના રોજ ૭ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૮૯૩ મતદાન મથકો ઉપર ૮,૭૭,૪૦૨ પુરુષ અને ૮,૪૫,૮૬૮ સ્ત્રી તેમજ ૮૩ ત્રીજી જાતિના મતદારો મળી કુલ ૧૭,૨૩,૩૫૩ મતદારો મતદાન પ્રક્રિયા માં જોડાશે અને મતદાન મથકો ઉપર ઈવીએમ મશીન અને વીવીપેટ સહિતની સામગ્રી મતદાન મથકના અધિકારીઓને વિતરણ કરવામાં આવી છે
અને તમામ મતદાન મથકો ઉપર મતદારો શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેમજ મતદાન મથકો ઉપર મતદારોને કોઈપણ જાતની આરોગ્યલક્ષી તફ્લીક ન પડે તે માટેની કાળજી રાખવામાં આવી છે.જેમાં જીલ્લામાં ૧ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ,જંબુસરમાં સબ ડીસ્ટ્રીકટ ૧ હોસ્પિટલ,કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ૯,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૪૧,અર્બન હેલ્થ સેન્ટર ૭,મેડિકલ ઓફિસર ૫૩,મલ્ટીપરપર્સ ૨૧૨,ફિમેલ હેલ્થ વર્કર ૨૭૪,હેલ્થ સુપરવાઈઝર ૫૪,એમ્બ્યુલન્સ ૫૨ તથા ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ ૧૯ તથા ૨૬ મેડિકલ ટીમો મતદાનના દિવસે ખરેપગે સેવા આપનાર છે
અને ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને કોઈપણ ફરિયાદ ચૂંટણીલક્ષી મળે તો ૧૦૦ મિનિટમાં તેનો નિકાલ થાય તેવી તમામ વ્યવસ્થા સાથે મતદાન મથકો ઉપર ફરજ નિભાવનારા અધિકારીઓ અને કર્મચારીઓનું ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી અને ભરૂચ લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
સાથે સાથે પવડી,મોડલ,સખી અને યુવા મતદાન પણ ઉભા કરવામાં આવ્યા છે તેમ ભરૂચ જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેકટર તુષાર સુમેરાએ કહ્યું હતું.ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ૭ મી મેના રોજ મતદાન યોજાયુ છે.આ દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવી છે અને જો કોઈ કર્મચારી કે કંપની દ્વારા રજા નહિ આપવામાં આવે ને રોજ કાપવામાં આવશે તો એક્શન ૧૩૫ બી મુજબ કાર્યવાહી કરવામાં આવશે
અને આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી અને કલેકટરે પ્રેસ કોન્ફરસમાં કહ્યું હતું.સાથે ભરૂચ જીલ્લાના કોઈપણ થિયેટરમાં કોઈપણ નાગરિક મતદાન કરેલ હોવાનું આંગળી પરનું ચિન્હ બતાવી ૫૦ ટકા ડિસ્કાઉન્ટમાં ફિલ્મી નિહાળી શકશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.
લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જીલ્લા પોલીસ વિભાગ તરફથી આગોતરી તૈયારી કરી સીઝરના કેસ,લિકરના કેસ,નાર્કોટિક્સ તથા તોફાની તત્ત્વોને પાસા પણ કરવામાં આવ્યા છે
અને ભરૂચ લોકસભા બેઠક ઉપર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદારો કરી શકે તે માટે ૧૩૦૨ પોલીસ જવાનો,૨૪૦ હોમગાર્ડ જવાનો,૧૪૯૨ જીઆરડી જવાનો,૭ કંપની એ.એ.પી.એફ તથા એસઆરપીની ૧ પ્લાટુર્નનો સમાવેશ કરી તમામને બંદોબસ્તમાં તહેનાત કરાયા હોય તેમ જીલ્લા પોલીસવડા મયુર ચાવડાએ કહ્યું હતું.
ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારી, અધિકારીઓ, પોલીસ જવાનો હોમગાર્ડ, જીઆરડી, મીડિયાકર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ફોર્મ ૧૨ ની કુલ ૧૧,૮૬૬ અરજી આવી હતી.જે પૈકી ૮,૭૫૫ પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું છે.તો ૫૬૫૧ ઈડીસી દ્વારા મતદાન કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
ભરૂચ જીલ્લામાં સમાવિષ્ટ ૧૫૧ વાગરા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ આલીયાબેટમાં ટેમ્પરવાળી શીપીંગ કન્ટેનરમાં મતદારોની મતદાન કરવાની સુવિધા કરવામાં આવી છે.જેમાં હાલ ૧૩૬ મહિલા અને ૧૧૮ પુરુષ મળી કુલ ૨૫૪ મતદારો મતદાન કરશે.
અગાઉ મતદારોએ દરિયાનું ૮૨ કી.મીનું અંતર કાપવું પડતું હતું અને અન્ય મતદાન મથકે મતદાન કરવા પહોંચવું પડતું હતું જે હાલ સ્થાનિકકક્ષાએ જ સુવિધા કરવામાં આવતા મતદારોમાં આનંદ જોવા મળી રહ્યો છે.