ત્રીજી દીકરી જન્મતા નકલંક ધામને રુા.૨,૨૨,૨૨૨નું દાન

સુરેન્દ્રનગર, આપણા સમાજમાં એક વર્ગ એવો છે કે, જેમને મન દીકરો જ સર્વસ્વ છે. પરિવારમાં દીકરાનો જન્મ થાય ત્યારે ખુશીનો પાર નથી રહેતો પરંતુ દીકરી જન્મે ત્યારે તમામના ચહેરા મૂરઝાઇ જાય છે. ત્યારે બીજી બાજુ એવો પણ વર્ગ છે જે દીકરીના જન્મના વધામણાં કરે છે. આખો પરિવાર અને મિત્રો સાથે આનંદપૂર્વક ઉજવણી કરે છે. આજે આપણે આવાજ એક પરિવારની વાત કરવાના છે.
મોરબીના એક પ્રજાપતિ પરિવારમાં પ્રથમ બે દીકરીઓ હતી. જે બાદ ત્રીજી દીકરીનો જન્મ થતા તેમના મિત્રોએ હડમતીયાના નકલંક ધામના ભૂમિદાન પેટે રૂ.૨,૨૨,૨૨૨ નું અનુદાન આપીને પોતાનો આનંદ જાહેર કર્યો છે. આ અંગે મીડિયામાંથી મળતી માહિતી પ્રમાણે, મોરબીના એક પ્રજાપતિ પરિવારમાં આ ઘટના બની છે. જેમાં મોરબીમાં રહેતા થાનગઢમાં કારખાનું ધરાવતા કિરણ રીફેકટ્રીઝ નીતિનભાઈ સુંદરજીભાઈ મૈંજડિયાને સંતાનમાં અગાઉથી બે દીકરીઓ છે.
જન્માષ્ટમીના પાવન પર્વે ત્રીજી દીકરી આવતા નીતિનભાઈ અને એમના પરિવારે ત્રીજી દીકરીના જન્મને વધાવ્યો હતો. આ ઉપરાંત તિનભાઈના મિત્રોએ લક્ષ્મીજીના વધામણાંની ખુશીમાં ટંકારાના હડમિતિયા ગામે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના અસ્થાના કેન્દ્ર સમાન નકલંકધામની જગ્યામાં ગુરુદેવને સેવકાર્યો માટે ભૂમિદાન પેટે રૂ.૨,૨૨,૨૨૨નું અનુદાન આપ્યુ છે.
આવી જ એક સારી ઘટના થોડા સમય પહેલા રાજસ્થાનમાં પણ બની હતી. રાજસ્થાનના નાગૌર જિલ્લાના નિમ્બડી ચાંદવાતા ગામના ૫૫ વર્ષીય ખેડૂત મદન પ્રજાપતના પરિવારમાં ૩૫ વર્ષ પછી પુત્રીનો જન્મ થયો હતો.ત્યારે તેમણે દીકરીના જન્મની એક ઉત્સવની જેમ ઉજવણી કરી હતી.
દીકરીને હેલિકોપ્ટર દ્વારા ઘરે લાવવામાં આવી હતી. તેમના ગામથી લઈને સમગ્ર રાજસ્થાનમાં તેમના આ કાર્યની ચર્ચા થઈ હતી. આ અંગે પિતાએ જણાવ્યું હતું કે, મોટી પુત્રી આશરે ૩૫ વર્ષની છે અને ૨૧ વર્ષના પુત્ર હનુમાન પ્રજાપતનાં લગ્ન ગયા વર્ષે જ થયાં હતાં. પુત્રની પત્ની ચૂકી દેવીએ ૨જી એપ્રિલે પુત્રીને જન્મ આપ્યો હતો. પરિવારે દીકરીનું નામ સિદ્ધિ રાખ્યું હતુ.
નાગૌરની ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં જન્મેલી બાળકી સ્થાનિક રીતરિવાજ મુજબ ચૂકી દેવીના ગામ હેરસોલ લઈ જવામાં આવી હતી. અહીંથી જ મદન પ્રજાપતે નક્કી કર્યું હતું કે, સાડા ત્રણ દાયકા બાદ પરિવારમાં જન્મેલી બાળકીનો ગૃહપ્રવેશ એક ઉત્સવની જેમ ઊજવશે.SSS