ત્રીજી લહેરની આશંકાએ પૂણેમાં વિકેન્ડ લોકડાઉન
વીકેન્ડ પર જીવન જરૂરી ન હોય તેવી વસ્તુની દુકાનો બંધ રહેશે, રાત્રે ૧૦ વાગ્યા પછી બહાર ફરવાની પણ મનાઈ
પુણે: અનલૉકની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા પુણે શહેરમાં ફરીથી વીકેન્ડ લૉકડાઉન લગાવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોનાને ફેલાતો અટકાવવા માટે આ ર્નિણય કરવામાં આવ્યો છે. વીકેન્ડ પર જીવન જરૂરી ન હોય તેવી વસ્તુઓની દુકાનો બંધ રહેશે. આદેશ પ્રમાણે રાત્રે ૧૦ વાગ્યા પછી કારણ વગર બહાર ફરવાની પણ મનાઈ કરી દેવામાં આવી છે. જાેકે, હજુ સુધી એવું સ્પષ્ટ નથી થયું કે ફરીથી લગાવવામાં આવેલા પ્રતિબંધ ક્યાં સુધી અમલમાં રહેશે. અમુક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી ત્રીજી લહેર આવી શકે છે.
પીએમસી કમિશનર વિક્રમ કુમારે શુક્રવારે આ આદેશ કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જીવન જરૂરી ન હોય એવી વસ્તુઓની દુકાનો, મૉલ, સલૂન, બ્યૂટી પાર્લર, સ્પા, બાર અને ફૂડ કોર્ટ્સ વીકેન્ડમાં બંધ રહેશે. આ પ્રતિબંધ પીએમસી, પુણે કેન્ટોનમેન્ટ બોર્ડ, કિર્કી કેન્ટોનમેન્ટ બોર્ડ ક્ષેત્રમાં લાગૂ રહેશે. પીએમસીએ ૧૪ જૂનથી હટાવવામાં આવેલા અમુક પ્રતિબંધ ચાલુ રાખવાનો ર્નિણય કર્યો છે. આ દરમિયાન સરકારી અને ખાનગી કંપનીઓ અડધા એટલે કે ૫૦% સ્ટાફ સાથે શરૂ રહેશે. લાઇબ્રેરી, કોચિંગ ક્લાસિસ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ ૫૦ ટકા ક્ષમતા સાથે શરૂ રહેશે. જરૂરી સેવામાં શામેલ લોકો લોકલ ટ્રેન સેવાનો ઉપયોગ કરી શકશે.
જ્યારે જાહેર પરિવહન માટે બસ સેવા ૫૦ ટકા ક્ષમતા સાથે શરૂ રહેશે. આ દરમિયાન કોઈ પણ મુસાફરને ઊભા રહીને મુસાફરી કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. ગાર્ડન અથવા ખુલ્લા મેદાન જેવી જાહેર જગ્યાઓ સવારે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી ખુલી શકશે. આખો દિવસ આઉટડોર રમત રમી શકાશે. જ્યારે ઇન્ડોર ગેમ્સ માટે સવારે પાંચથી નવ અને સાંજે પાંચ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સાંજે સાત વાગ્યા સુધી જ કરી શકાશે.
આ દરમિયાન ફક્ત ૫૦ લોકો જ શામેલ થઈ શકશે. લગ્નમાં ૫૦ અને અંતિમ સંસ્કારમાં ૨૦ લોકો શામેલ થઈ શકશે. નવા નિયમોની અસર બાંધકામ ક્ષેત્ર અને ઈ-કોમર્સ સેવાઓ પર નહીં પડે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર તરફથી તબક્કાવાર છૂટ આપવામાં આવ્યા બાદ પુણેમાં મોટાભાગના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા હતા. અમુક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી ત્રીજી લહેર આવી શકે છે.