ત્રીજી લહેરને રોકવા સરકાર દ્વારા અનલૉકના નિયમ જાહેર કરાયા
પોઝિટિવિટી રેટ ૫ ટકાથી ઓછો હોય અને ૭૦ ટકા લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું હોય ત્યારે જિલ્લાઓમાં અનલૉકની પ્રક્રિયા શરૂ કરવામાં આવશેે
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડતા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે અનલૉકની પ્રક્રિયા વિશે અગત્યની જાણકારી આપી છે. કેન્દ્ર સરકારએ કહ્યું છે કે ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ ૫ ટકાથી ઓછો હોય અને કુલ વસ્તીના લગભગ ૭૦ ટકા લોકોનું વેક્સીનેશન થઈ ચૂક્યું હોય. તેની સાથે જ કોવિડ પ્રોટોકોલ્સનું પણ કડકાઈથી પાલન કરવામાં આવે. ત્યારબાદ જ જિલ્લાઓમાં મોટાભાગના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવે. આઈસીએમઆરના મહાનિદેશક અને ભારતના કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. બલરામ ભાર્ગવે મંગળવાર આ વાત પર ભાર મૂક્યો કે પ્રતિબંધોથી ધીમેધીમે છુટ આપવાના મામલામાં તેજી નહીં આવે.
જિલ્લા વહીવટીતંત્રએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે વેક્સીનેશનને પ્રાથમિકતા આપવામાં આવે. ભાર્ગવે કહ્યું કે, ત્રીજી લહેરને રોકવાના મામલામાં ૫ ટકાથી ઓછા પોઝિટિવિટી રેટવાળા જિલ્લાઓને આંશિક ખોલી શકાશે. તેમાં ખૂબ ધીમેધીમે છુટ આપવી જાેઈએ. જિલ્લાઓમાં પ્રતિબંધોમાં છુટ આપવા વિશે ભાર્ગવે કહ્યું કે, એવા જિલ્લાઓમાં એક સપ્તાહ સુધી સંક્રમણ દર પાંચ ટકાથી ઓછો હોવો જાેઈએ, પાત્રતા ધરાવતા લોકોનું ૭૦ ટકાથી વધુ વેક્સીનેશન થયેલું હોવું જાેઈએ અને કોવિડ-૧૯ના યોગ્ય વ્યવહાર કરવા માટે સામુદાયિક સ્તર પર જાગૃતિ હોવી જાેઈએ.
ડૉ. બલરામ ભાર્ગવનું નિવેદન સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા બાદ આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગત સપ્તાહે ૩૪૪ જિલ્લામાં સંક્રમણ દર પાંચ ટકાથી ઓછું રહ્યું છે અને ૩૦ રાજ્યોમાં કોરોના વાયરસના સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ભાર્ગવે કહ્યું કે, આપણે કોરોનાની ઘાતકી બીજી લહેરની વચ્ચે છીએ, જાેકે તે હજુ ખતમ થઈ રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલના પહેલા સપ્તાહમાં આપણી પાસે ૨૦૦થી ઓછા જિલ્લા હતા, જેમાં ૧૦ ટકાથી વધુ સંક્રમણ દર હતું.
એપ્રિલના અંતિમ સપ્તાહમાં ૬૦૦ જિલ્લામાં ૧૦ ટકાથી વધુ પોઝિટિવિટી દર હતો. આજે દેશમાં ૨૩૯ જિલ્લા છે જેમાં ૧૦ ટકાથી વધુ સંક્રમણ દર છે. ૧૪૫ જિલ્લામાં ૫ ટકાથી ૧૦ ટકા પોઝિટિવિટી દર છે અને ૩૫૦ જિલ્લામાં ૫ ટકાથી પણ ઓછો સંક્રમણ દર છે. તેથી આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.