ત્રીજી લહેરમાં ૭૦ ટકા દર્દીના મૃત્યુ દાખલ કર્યાના ૫ દિવસમાં જ થયા
અમદાવાદ, કોરોના મહામારીની ત્રીજી લહેર સમાપ્તિના આરે છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જાેવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં ૬૮૦ દર્દીઓ જીવ ગુમાવ્યા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કોરોનાથી થયેલા મોતના આંકડાનું વિશ્લેષણ કર્યું હતું. જે પરથી જાણવા મળ્યું છે કે, ૬૮૦ મૃત્યુમાંથી ૩૮.૫ ટકા મોત હોસ્પિટલમાં દાખલ થયાના બે દિવસમાં જ થયા છે.
જ્યારે ૨૯ ટકા દર્દીઓના મોત ત્રીજાથી પાંચમા દિવસની વચ્ચે થયા છે. મતલબ કે, મૃત્યુદરના બે તૃતીયાંશ મોત હોસ્પિટલમાં દાખલ થયાના પાંચ દિવસની અંદર થયા છે.
એનાલિસિસમાં એમ પણ સામે આવ્યું કે, ૭૦ ટકા મૃત્યુ ૬૦થી વધુની ઉંમરના દર્દીઓના નોંધાયા છે અને મૃત્યુ પામનારા ૬૭ ટકા દર્દીઓ પુરુષો હતા. શહેરની હોસ્પિટલોએ સ્વીકાર્યું છે કે, કોરોનાથી સંક્રમિત થયેલા જે દર્દીઓને પહેલાથી કોઈ બીમારી હતી તેમને રિકવર થવામાં વાર લાગી છે. તેમને વેન્ટિલેટર કેર આપવા છતાં તેઓ ૩-૪ દિવસથી વધુ જીવી નહોતા શક્યા.
શહેરના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. વિવેક દવેનું માનીએ તો, રાજ્ય સરકારે આપેલા ડેટા જેવો અનુભવ પ્રાઈવેટ હોસ્પિટલોને પણ થયો છે. “ક્રિટિકલ અને મૃત દર્દીઓનું એનાલિસિસ કરીએ તો મોટાભાગના દર્દીઓમાં કોરોના બીજી બીમારી હતી.
મતલબ કે, આ દર્દીઓ કોમોર્બિડ હતા અને તેમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સંબંધી તકલીફ હતી, જે તેમના માટે ગંભીર સાબિત થઈ. કેટલાક કિસ્સામાં તો કોરોના આકસ્મિક રીતે પકડાયો હતો. જેમકે, કોઈ ઓપરેશન પહેલા કે હોસ્પિટલમાં દાખલ કરતી વખતે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હોય અને રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો હોય”, તેમ ડૉક્ટર દવેએ ઉમેર્યું.
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સના ડૉ. ભરત ગઢવીએ કહ્યું, “આ લહેર દરમિયાન, મૃત્યુદર ખાસ્સો નીચો રહ્યો કારણકે નોકરી કરતી વસ્તીને લાગતાં ચેપનું પ્રમાણ ઓછું હતું અને ફેફસામાં થતાં ઈન્ફેક્શનનો દર પણ નીચો હતો. તો બીજી તરફ સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધારે હતી પરંતુ યુવાન દર્દીઓ ઓછા હતા. જેમને ક્રિટિકલ કેરની કે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હોય તેવા દર્દીઓમાં ૬૦ વર્ષની વયથી નીચેના દર્દીઓનો આંકડો ૧૦ ટકાથી પણ ઓછો છે.”SSS