ત્રીજી લહેર સામે લડાઇ: પોલીસ સ્ટેશનમાં મિની મેડિકલ સ્ટોર શરૂ
(એજન્સી)અમદાવાદ, દેશમાં કોરોનાની ત્રીજી લહેરની જે રીતે શરૂઆત થઇ છે તે જાેતાની સાથે તંત્ર પણ ચોંકી ઊઠ્યું છે. અમદાવાદ કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલના ડોક્ટર, કોર્ટના જ્જ તેમજ સ્ટાફ અને પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સંક્રમિત થયો છે. કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થઇ ગયુ છે ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ મેડિકલ સ્ટોર ચાલુ થઇ ગયો છે. પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ કર્મચારી તેમજ મુલાકાતીઓ અને આરોપીઓની જ્યારે તબિયત ખરાબ થાય ત્યારે તરત જ દવાઓ આપી દેવામાં આવે છે.
પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં દવાઓ રાખવા માટેનો આદેશ કર્યો છે. દવાઓ માટે મેડિકલ ઓફિસર પણ તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે કોઇ પણ પોલીસ કર્મચારીને તાવ આવે, શરદી થઇ હોય કે પછી બીપીનો પ્રોબ્લેમ હોય અથવા તો શરીર તૂટે ત્યારે તેમને દવા લેવા માટે મેડિકલ સ્ટોર પર જવાની જરૂર નથી. પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ ટેબલ મુકવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારની દવાઓ આપવામાં આવે છે.
પોલીસ કર્મચારીઓ સિવાય કોઇ પણ આરોપી અથવા તો મુલાકાતીઓને પણ પોલીસ સ્ટેશનથી દવાઓ મળી રહેશે. પ્રાથમિક ટ્રીટમેન્ટના ભાગરૂપે દવાઓ આપવામાં આવે છે. ત્યાર બાદ જાે કોઇ વધારે મુશ્કેલી થાય તો સીધી ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર માટે ખસેડવામાં આવે છે. આ પ્રક્રિયા શરૂ થતાંની સાથે પોલીસ સ્ટેશનમાં દવાઓનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. પ્લાસ્ટિકના અલગ અલગ ડબામાં દવાઓ રાખેલી છે, જેમાં તમામ ડબા પર દવાના નામે લખેલા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસની બીજી લહેર આવી ત્યારે સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓના દુઃખદ મોત થયા હતા, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પોલીસ કર્મચારીઓને સામાન્ય તાવ આવે ત્યારે તરત જ તેમને દવાઓ આપી દેવામાં આવે છે. જે પોલીસ કર્મચારીઓ દવાઓનો ડોઝ લે છે તેમને એક ફોર્મ ભરવાનું હોય છે.
ફોર્મમાં પોલીસ કર્મચારીઓના ફોટોગ્રાફ્સ, નામ તેમજ તમામ ડીટેઇલ લખવાની હોય છે. પોલીસ કર્મચારીએ ભરેલા ફોર્મને પોલીસ કમિશનર કચેરી ખાતે મોકલવામાં આવે છે. ત્યારબાદ તે ફોર્મનું એનાલિસિસ થાય છે અને જે પોલીસ કર્મચારીએ એકથી વધારે વખત એક જ દવાઓનો ઉપયોગ કર્યો હોય તો તેમની તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવે છે.
પોલીસની ડ્યૂટી ૨૪ કલાકની હોય છે, જેમાં તેમના કામના ભારણના કારણે તેમનામાં અનેક બીમારીઓએ ઘર કરી દીધા છે. સતત તણાવમાં કારણે પોલીસ કર્મચારીઓ કોઇને કહી શકતા નથી, જેના કારણે ઘણી વખત તેમને ડ્યુટી ઉપર શારીરિક સમસ્યા ઊભી થતી હોય છે અને કેટલીક વખત તો મોત પણ થતાં હોય છે.
ઝોન-૨ ડીસીપી સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું ડ્યુટી ઉપર મોત થયું હતું. આ સિવાય વાઇબ્રન્ટ સમિટમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનું પણ મોત થયું હતું. પોલીસને શું બીમારી છે તેની જાણ થઇ શકે તે માટે પોલીસ દ્વારા આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
પોલીસે શરૂ કરેલા આ પ્રયોગનો લાભ આરોપીઓને પણ મળી શકશે. પોલીસ સ્ટેશનમાં શરૂ થયેલા મેડિકલ સ્ટોરનો લાભ અનેક લોકોએ ઉઠાવ્યો છે અને મહત્વની વાત એ છે કે મોડી રાતે જ્યારે મેડિકલ સ્ટોર બંધ હોય અને કોઇ પણ પોલીસ કર્મચારી, આરોપીઓને તાવ આવે ત્યારે આ મિની મેડિકલ સ્ટોર રામભાણનું કામ કરશે.