ત્રીજી વેવમાં રાજકોટ મ્યુનિ.ના ચોપડે ૩૧ દિવસમાં ૨૧નાં જ મોત, પરંતુ ૪ સ્મશાનમાં ૬૧ની અંતિમવિધિ !
રાજકોટ, રાજકોટમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ મૃત્યુઆંક ધીમી ગતિએ વધી રહ્યો છે. મોત વધવાનું કારણ તબીબોએ જણાવ્યું હતું કે કોરોનાએ પેટર્ન ફેરવી છે અને ત્રીજી લહેરનો કોરોના હવે ગળા અને નાક સુધી સીમિત નથી રહ્યો. ફેફસાં સુધી એ પહોંચવા લાગ્યો છે, પરંતુ જાણે ત્રીજી લહેર છે જ નહીં એ રીતે સરકાર અને સ્થાનિક પ્રશાસન વર્તન અને કામગીરી કરી રહ્યું છે.
જાન્યુઆરીના એક મહિનાની વાત કરીએ તો મનપાના ચોપડે માત્ર ૨૧ દર્દીનાં મોત જ્યારે ચાર સ્મશાનમાં ૬૧ની કોરોના પ્રોટોકોલ હેઠળ અંતિમવિધિ કરાયાનું રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે.
મનપા દ્વારા કંઈ રીતે કોરોનાના દર્દીના મૃત્યુ ગણવામાં આવે છે એ હજી સુધી કોઈ ચોક્કસપણે કહી શક્યું નથી. જાે મનપાનું માનીએ તો ગત મહિને ૨૧નાં મોત હતાં તો અન્ય દર્દીઓના મૃતદેહને શું કામ કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ અંતિમવિધિ કરવામાં આવી એનો જવાબ કોઈ પાસે નથી. દિવ્ય ભાસ્કર દ્વારા શહેરનાં મુખ્ય ૪ સ્મશાનમાં જઈ કોવિડ ગાઈડલાઈન્સ મુજબ થયેલી અંતિમવિધિ અંગે વિગતો લેવામાં આવી હતી.
જેમાં રામનાથપરા સ્મશાનમાં સૌથી વધુ ૪૬, મોટામોવા સ્મશાનમાં ૪, બાપુનગર સ્મશાનમાં ૬ અને મવડી સ્મશાનમાં ૫ મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાને લઈને પહેલી કે બીજી લહેર હોય કે ત્રીજી લહેર આંકડા છુપાવવાની રમત પહેલેથી ચાલતી આવી છે. આ વખતે પણ મોતના આંકડાની જાણે રમત શરૂ થઈ હોય તેવું સામે આવ્યું છે.
રાજકોટના રામનાથપરા સ્મશાનના શ્યામભાઈ પાનખાણિયાએ જણાવ્યું હતું કે કોરોનાની અત્યાર સુધીમાં ત્રણ લહેર આવી છે. હાલ ત્રીજી લહેરમાં આપણે હજી બધાએ ધ્યાન અને સાવચેતી રાખવાની જરૂરિયાત છે. બીજી લહેરમાં રોજના ૨૦થી ૨૫ લોકોના કોરોના પ્રોટોકોલ મુજબ અગ્નિદાહ થતા હતા.
જાેકે ત્રીજી લહેરમાં એવી પરિસ્થિતિ આવી નથી. હાલ સ્મશાનમાં રોજ બેથી ચારની જ કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરીએ છીએ. આ આંકડો વધે નહીં તેની બધાએ સાવચેતી રાખવી જાેઇએ. કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે, પરિવારના ચારથી પાંચ અને હોસ્પિટલનો સ્ટાફ પીપીઇ કિટ સાથે મૃતદેહ લઇને આવે છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલમાંથી મૃતદેહો આવે છે.HS