ત્રીમૂર્તિ મંદિર અડાલજમાં સંસ્કાર ભારતીની અખિલ ભારતીય સાધારણ સભા યોજાશે
ગુજરાતના યજમાનપદે પ્રથમવાર તા.૩,૪,પ ડિસેમ્બરે ત્રીમૂર્તિ અડાલજમાં સંસ્કાર ભારતીની અખિલ ભારતીય સાધારણ સભા યોજાશે
અમદાવાદ, જેની ભાતીગળ સંસ્કૃતિ અને સંસ્કાર વારસોની દેશ દેશાવરમાં આગવી ઓળખ છે એવા ગુજરાતની તપોભૂમિ ઉપર ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના જતન માટે કાર્યરત સંસ્કાર ભારતી સંસ્થાની તા..૩,૪, અને ૫મી ડિસેમ્બરના ત્રણ દિવસો માટે સૌ પ્રથમવાર અખિલ ભારતીય સાધારણ સભા યોજાનાર છે.
અડાલજના ત્રિમૂર્તિ મંદીરના પટાંગણમાં યોજાનાર આ સભામાં ભાગ લેવા માટે દેશભરમાંથી સંસ્કાર ભારતીના અંદાજે ૨૫૦થી વધુ કાર્યવાહકો આવશે. જેમાં કલાક્ષેત્રની વિશિષ્ટ પ્રતિભાઓ પણ સામેલ થશે.
આ અંગે માહિતી આપતા સંસ્કાર ભારતી ગુજરાતના પ્રાંત અધ્યક્ષ શ્રી મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે તા. ૨જી ડિસેમ્બરના રોજ ગુજરાતના જુદા જુદા ક્ષેત્રની પદ્મશ્રી એવોર્ડ પુરસ્કૃત વિશિષ્ટ પ્રતિભાઓ સર્વ શ્રી મનોજ જોષી, જોરાવરસિંહ જાદવ, વિષ્ણુભાઇ પંડ્યા, યેઝદી કરંજીયા, શાહબુદીન રાઠોડ, ડો.કુમારપાળ દેસાઇ અને ડો.ચંદ્રકાંત મહેતાના હસ્તે દીપ પ્રાગટ્યથી સાધારણ સભા સંલગ્ન કાર્યક્રમનો આરંભ થશે.
દુનિયાભરમાં જેની ચિંતા છે એવા જલવાયુ પરિવર્તનની દીશામાં કાર્બનના નેટ શૂન્ય આંક હાંસલ કરવા માટે આરંભાયેલા પ્રયાસોનો સંદેશ જન જન સુધી પહોંચે તે હેતુથી પર્યાવરણ સામેના એક મોટા પડકાર એવા પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવાના ભાગરુપે પ્લાસ્ટિક મૂકત થવાના સંકલ્પને અનુસરીને ફ્લેક્સના ઉપયોગના બદલે કાપડ, વેજીટેબલ ડાઇંગથી ગાયના ગોબરમાંથી બનાવેલા બેઇઝ, લેખન માટેના પેડ, હાથવણાટની શાલ, કોટન બેગ જેવી ઇકો ફ્રેન્ડલી ચીજ-વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવી છે એમ તેમણે કહ્યું હતું.
ત્રિ મૂર્તી મંદિરની આધ્યાત્મિક ભૂમિ ઉપર આ અવસરે ભાગ લેવા આવનારા સંસ્કાર ભારતીના પદાધિકારીઓ માટે સ્વતંત્રતા સંગ્રામના સપૂતો તેમજ વિશ્વ વિખ્યાત ગુજરાતના તિર્થધામો તથા ઐતિહાસિક સ્થળોની તસ્વીરોનું પ્રદર્શન પણ આ દિવસો દરમિયાન યોજાશે.
તા. ૪થી ડિસેમ્બરના સાંજે ૭ વાગે ’’ હે સ્વતંત્ર ભારતી, ઉતારે તારી આરતી’’ શિર્ષક હેઠળ યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના ગીતો, સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતના યોગદાનને આવરી લેતા ગીતો, આદીવાસી સંસ્કૃતિનો નિખાર દર્શાવતા લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્યો પ્રસ્તુત થશે.
શ્રી મહેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું હતું કે ભારતીય સંસ્કૃતિના પરંપરાગત વારસાનું પેઢી દર પેઢી સુધી જતન અને પ્રચાર પ્રસાર થાય તે હેતુથી ભારતના જુદા જુદા પ્રાંત પ્રદેશોની ૬૪ જેટલી ભાતીગળ કલાઓનું સંવર્ધન કરવા ૧૯૮૧માં સંસ્કાર ભારતીની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ રાજ્યોમાં સંસ્કાર ભારતીની અખિલ ભારતીય સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે. આજે સંસ્કાર ભારતીની દેશભરમાં ૧૨૦૦થી વધુ શાખાઓ કાર્યરત છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સંસ્કાર ભારતીની શાખાઓ મારફત વર્ષભર અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છે.