થરાદ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી તા. ૨૪ના રોજ જગાણા-એન્જીનિયરીંગ કોલેજ ખાતે થશે
(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં ૮-થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ગઇકાલે તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ સંપન્ન થયું હતું. ૮-થરાદ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલ એન્જીનિયરીંગ કોલેજના માઇનીંગ બિલ્ડીંગમાં તા. ૨૪ ઓકટોબર-૨૦૧૯, ગુરૂવારના રોજ સવારે-૮.૦૦ વાગ્યાથી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર જગાણા એન્જીનિયરીંગ કોલેજ ખાતે મતગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.