થર્ટી ફર્સ્ટઃ દારૂની રેલમછેલ રોકવા પોલીસને કડક સૂચના
સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છેઃ રિપોર્ટ |
અમદાવાદ, વાઈબ્રન્ટ ગુજરાત કરતા પણ વધારે અત્યારે ૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે ઘણાં લોકો થનગનાટ અનુભવી રહ્યા છે. ત્યારે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ સામે સતર્ક થયેલી પોલીસ અત્યારથી જ રેડ પાડવા સહિતના પગલાં લઇ રહી છે, ત્યારે આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલાની ગંભીરતા ધ્યાને લઇ જણાવ્યું હતું કે, ૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખી રાજ્યમાં દારૂની રેલમછેલ થાય નહિ તેવું આયોજન કરવા પોલીસને કડક સૂચના આપવામાં આવી છે. રાજયમાં દારૂની બદીને નાથવા સરકાર કટિબધ્ધ છે. બીજીબાજુ, ખુદ મુખ્યમંત્રીની ઉપરોકત સૂચનાને લઇ હવે રાજય પોલીસ તંત્ર હાઇએલર્ટ પર છે અને દારૂની મહેફિલ કે દારૂની હેરાફેરીને લઇ કડક પેટ્રોલીંગ અને વોચ ગોઠવવા સહિતના આકરાં પગલા લેવાનું શરૂ કરાયું છે. સામાન્ય રીતે વિદેશી દારૂ પીવાનાં શોખીનો સમગ્ર વર્ષ દરમિયાન માઉન્ટ આબુ, દીવ-દમણ કે મુંબઈની સાથે શામળાજી નજીક રાજસ્થાન બોર્ડર જતા હોય છે.
પરંતુ ન્યુ યરની ઉજવણી અંતર્ગત ૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે ઘણાં લોકો ભારે ઉત્સાહ સાથે થનગનાટ અનુભવી રહ્યા છે. જો કે વિવિધ ફાર્મ અથવા પાર્ટી પ્લોટ જેવી જગ્યાઓએ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે હજુ સુધી કોઈ નોધપાત્ર નોધણી તંત્ર સમક્ષ થઇ નથી. આમછતાં સતર્ક થઇ ગયેલી પોલીસ દ્ધારા રેડ પાડવા સાથે વિદેશી દારૂ વ્યાપક પ્રમાણમાં પકડવામાં આવી રહ્યો છે. લોકોમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સ્પષ્ટ કર્યું હતું કે, ૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં દારૂની રેલમછેલ થાય નહિ તેવું આયોજન કરવા પોલીસને કડક સૂચના આપવામાં આવી છે. સીએમ એ કહ્યું કે, ૩૧ ડિસેમ્બરે લોકો દારૂની મહેફીલોનું આયોજન કરતા હોય છે. તેને રોકવા માટે પણ પોલીસને કડક સુચના આપવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરી દારૂબંધીના કેસ કરવા સાથે બુટલેગરો અને દારૂ પીનારાઓને પકડવામાં આવી છે.