થર્ટી ફર્સ્ટની રાત્રે ૧૨૦૦થી વધારે દારુ પિધેલા ઝડપાયા
વલસાડ: વલસાડ જિલ્લાની પોલીસે સપાટો બોલાવી ૧,૨૦૦થી વધારે પીધેલાને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે ખાવા-પીવાનાં શોખીનોએ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાત લીધી હતી.
આવા ૧૨૦૦થી વધુ શરાબના શોખીનોએ માટે નવા વર્ષની પ્રથમ રાત્રિ પોલીસ સ્ટેશનમાં વિતાવવાનો વારો આવ્યો હતો. પીધેલાઓથી પોલીસ સ્ટેશનો ઉભરાઈ જવાથી પોલીસે આવા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રાખવા માટે પોલીસ મથક આસપાસ આવેલા હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખ્યા હતા.
આ ઉપરાંત પોલીસ સ્ટેશનો બહાર મંડપ પણ બાંધવામાં આવ્યા હતા. શોખીનો દિવસભર દમણ અને દાદરા નગર હવેલીમાંથી પાર્ટી અને મોજમસ્તી કરી રાજપાટમાં જ ગુજરાતમાં પરત ફર્યા હતા. આ લોકોનું પોલીસે અનોખું ‘સ્વાગત’ કર્યું હતું. દમણમાંથી ગુજરાતમાં દારૂનો નશો કરીને પરત ફરતા આવા શોખીનોને સબક શીખવવા માટે વલસાડ જિલ્લા પોલીસ ખડેપગે તૈનાત હતી.
શરાબ અને પાર્ટીઓના શોખીનોને સબક શીખવાડવા દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસે સપાટો બોલાવ્યો હતો. આ સપાટામાં ૩૧ ડિસેમ્બરની સવારથી મોડી રાત અને નવા વર્ષની પ્રથમ રાતના આરંભ સુધી વલસાડ જિલ્લામાં અંદાજે ૧૨૦૦થી વધુ પીધેલાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
જે શોખીનો ખાઈ-પીને મોજમસ્તી કરી દમણ અને દાદરાનગર હવેલીમાંથી દારૂનો નશો કરીને રાજપાટમાં ગુજરાતમાં પ્રવેશ્યા હતા તે પોલીસના ઝડપે ચઢી ગયા હતા. આ રીતે ૨૦૨૦ની છેલ્લી રાત એટલે ૩૧ની અને નવા વર્ષની પ્રથમ રાતપીધેલાઓ માટે યાદગાર બની રહી હતી.
વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૩૧ ડિસેમ્બરની સવારથી મોડી રાત સુધી જિલ્લાના વાપી,પારડી, વાપી જીઆઈડીસી, ડુંગરા, વલસાડ, ડુંગરી, ભીલાડ સહિત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અંદાજે ૧૨૦૦થી વધુ પીધેલા પકડાયા હતા.
સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીથી ગુજરાતમાં પ્રવેશ કરી શકતા હોય તેવી તમામ ચેકપોસ્ટ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને બ્રેથ એનેલાઇઝર દ્વારા તમામની તપાસ કરવામાં આવી હતી. જેમાં નશાની હાલતમાં ઝડપાયેલા પીધેલાઓને ઝડપીને પોલીસ સ્ટેશન લઇ જઇ હવાલાતની હવા ખવડાવી પોલીસે શોખીનોને કાયદાનું ભાન કરાવ્યું હતું.