થર્ટી ફર્સ્ટને લઈ શહેર પોલીસ એલર્ટ
શહેરમાં પ્રવેશતાં તમામ વાહનોનું ચેકિંગ
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાની મહામરીએ વિશ્વને ભરડામાં લીધું છે જેને કારણે સરકાર દ્વારા ઘણા નિયમો બનાવીને કે કડક કરીને નાગરીકોનું સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહયો છે બીજી તરફ આ બિમારીને એક વર્ષ ઉપર થઈ ગયુ છે અને નાગરીકો નવા વર્ષનાં આગમનની તૈયારી કરી રહયા છે ત્યારે શહેર પોલીસ પણ થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂ પાર્ટી કરતાં નબીરાઓ અને દારૂ સપ્લાય કરતાં બુટલેગરો ઉપર નજર રાખીને બેઠી છે. જાેકે આ વખતે શહેરમાં નવ વાગ્યા બાદ કફર્યુ હોવાને કારણે પોલીસનો ભાર થોડો હળવો થયો છે અને રોજ રાત્રે પોઈન્ટ પર ઉભી રહેતી પોલીસ વધારાની તૈયારીને બદલે ફકત વધુ એલર્ટ રહેશે ઉપરાંત શહેરની બોર્ડર તથા મુખ્ય પ્રવેશદ્વાર ઉપર વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.
શહેરીજનો થર્ટી ફર્સ્ટની રાત્રીની ઉજવણી માટે તૈયારીઓ કરી રહયા છે ત્યારે પોલીસ પણ પોતાની પુરતી તૈયારી કરી રહી છે. જાેકે આ વખતે કોરોનાને પગલે શહેરમાં કફર્યુ લાદવામાં આવ્યો છે જેના પગલે મોટાભાગના લોકો ઘરે રહીને જ ઉજવણી કરશે. જેના કારણે પોલીસનું કામનું ભારણ ઘટશે.
બીજી તરફ હાલમાં શહેરના મોટાભાગના ચાર રસ્તા તથા જંકશનો પર પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જયાં થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી જવાનોને વધુ એલર્ટ કરવામાં આવશે ઉપરાંત શહેરની ફરતે આવેલા રસ્તા તથા શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર પોલીસ પોઈન્ટ મુકી શહેર બહારથી પાર્ટી કરી અંદર પ્રવેશતા નબીરાઓ તથા અન્ય અસામાજીક તત્વોને અટકાવવામાં આવશે. આ અંગે ડીસીપી કંટ્રોલ હર્ષદ પટેલે કહયું હતું કે હાલની પરિસ્થિતિમાં પોલીસ ફોર્સમાં કોઈ ઉમેરો કરવામાં નહી આવે ફકત પોલીસને વધુ એલર્ટ કરવામાં આવશે.