થર્ડ વેવના ખતરા વચ્ચે એન્ટિજન ટેસ્ટિંગના ડોમ ઉપાડી લેવાયા
અમદાવાદ, માર્ચ-૨૦૨૦થી શરૂ થયેલી કોરોનાની ફર્સ્ટ વેવ વખતે અમદાવાદ તેના પ્રકોપનું સૌથી વધુ ભોગ બન્યુ હતું. ત્યારબાદ માર્ચ-૨૦૨૧ની કોરોનાની સેકન્ડ વેવથી અમદાવાદીઓ રાડ પાડી ઊઠ્યા હતા. કોરોનાની બંને વેવથી સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં જ સૌથી વધુ કેસ અને સૌથી વધુ મુત્યુ નોંધાતા મ્યુનિ. હેલ્થ વિભાગ એક રીતે નિષ્ફળ પુરવાર થયો હતો.
હવે જૂન મહિનાથી કોરોનાની તીવ્રતા ઓછી થતી જાય છે, પરંતુ કોરોનાએ સંપૂર્ણપણે વિદાય લીધી નથી તેમ છતાં ફક્ત વેક્સિનેશન પર ભાર મુકાઇ રહ્યો છે, તેમાં પણ તેનો એક પણ ટાર્ગેટ ક્યારેય પૂરો થઇ શક્યો નથી. આ સંજાેગોમાં થર્ડ વેવનો ખતરો વધ્યો છે
એટલે પાછલી બંને વેવમાં ગફલતમાં રહેનાર સત્તાવાળાઓએ વધુ સાવધ રહેવાની જરૂર છે, પરંતુ તંત્રે તો અમદાવાદમાંથી કોરોનાએ વિદાય લીધી હોય તેમ માનીને એન્ટિજન રેપિડ ટેસ્ટિંગના ડોમને પણ મહદંશે ઉપાડી લીધા છે. મ્યુનિ. સત્તાધીશોે કોરોનાલક્ષી વેક્સિનેશન સિવાયની અન્ય કામગીરીને એક પ્રકારે સમેટવા લીધી હોય તેનાથી સંભવિત થર્ડ વેવ સામે અમદાવાદીઓ કેવી રીતે રક્ષણ મેળવી શકશે તેમ ચર્ચાઇ રહ્યું છે.
અગાઉ પણ મ્યુનિ. તંત્રે કોરોનાની ફર્સ્ટ વેવની અસર ઓછી થતાં એમ માની લીધું હતું કે કોરોના વિદાય થયો છે. પરિણામે તંત્ર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીના દિવસો અગાઉથી ઇલેક્શન મોડ પર આવી ગયું હતું. કોરોનાનુ સંક્રમણ ફેલાતું અટકાવવા લેવાયેવા ઉપાયોને તે વખતે સત્તાવાળાઓએ એક પછી એક બંધ કર્યા હતા. કોરોનાનો ખતરો હોવા છતાં અગમ્ય કારણસર લાખો અમદાવાદીઓને કોરોનાના હવાલે કરી દીધા હતા.
એક તરફ તંત્રે પોતાની ફરજ ભૂલીને ચૂંટણીને ગંભીરતાથી લીધી હતી. વેક્સિનેશનને અમુક અંશે પ્રાથમિકતા આપી હતી, પરંતુ નાગરિકો પણ ચૂંટણીના ઉન્માદમાં ભાન ભૂલી ગયા હતા. ચૂંટણીમાં મતદારો કોરોનાનો લેશમાત્ર ભય રાખ્યા વિના મતદાન કરી શકે તેવો માહોલ ઊભો કરવા સત્તાવાળાઓએ કોરોનાનું સંક્રમણ સાવ હળવાશથી લીધું તેવા ગંભીર આક્ષેપ પણ ઊઠ્યા હતા.
એ જે હોય તે તેના કારણે અમદાવાદમાં કોરોનાની ફર્સ્ટ વેવ કરતાં પણ વધુ ઘાતક એવી સેકન્ડ વેવ ફરી વળી અને સેકન્ડ વેવ ફરી વળી અને સેંકડો લોકો ઓક્સિજનના અભાવે તરફડી તરફડીને મર્યા તે કરુણ સ્થિતિ ભૂલી શકાય તેમ નથી.
મ્યુનિ. હેલ્થ વિભાગે જે ગંભીર ભૂલ જાન્યુઆરીના અંતિમ દિવસોમાં કરી હતી તેવી જ ગંભીર ભૂલ ફરી કરી રહ્યું છે. હવે શહેરમાંથી કોરોના જતો રહ્યો છે તેવું વહીવટીતંત્રે માની લીધું છે. અમદાવાદ તો ગુજરાતનું બિઝનેસ હબ છે, ટ્રાન્સપોર્ટ હબ છે, આ શહેરમાં રોજગારી આપતી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે
એટલે અન્ય રાજ્યમાંથી સેંકડો લોકોની શહેરમાં સતત અવરજવર થતી રહે છે. કોરોનાની બંને વેવમાં અમદાવાદ સૌથી વધુ અસરગ્રસ્ત શહેર બન્યું હતું એટલે સવિશેષ તકેદારી રાખવાની જરૂર છે. આના બદલે અક્ષમ્ય બેદરકારી દાખવવામાં આવી રહી છે.
મેયર, કમિશ્નરની ઓફિસ ધરાવતા મ્યુનિ. મુખ્યાલયનો એન્ટિજન ટેસ્ટિંગ ડોમ રાખવો જરૂરી હતો. અહીંયા સતત મુલાકાતીઓનો ધસારો હોય છે, પરંતુ ત્યાંથી પણ ડોમ હટાવી દેવાયો છે. એપ્રિલમાં શહેરમાં ૧૫૦ જેટલા ડોમ હતા અને આજે આંગળીના વેઢે ગણાય તેટલા ૧૦ ડોમ છે. આરટી-પીસીઆર ટેસ્ટિંગની મફત સુવિધા પણ બંધ કરી દેવાઇ છે. સમરસ હોસ્ટેલ પણ વિદ્યાર્થીઓ માટે ખોલી દેવાઇ છે.
ગત તા.૭ જૂનથી અમદાવાદને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા ફ્રી જાહેર કરાતા સંજીવની વાન અદૃશ્ય થઇ ગઇ છે. ઘરઆંગણે નાગરિકોને તાવ, શરદી જેવા રોગની સારવાર આપતી ધન્વંતરિ વાન શોધ્યે જડતી નથી. વડીલ સુખાકારી વાનની સેવા તો ક્યારનીય બંધ કરી દેવાઇ છે.
આ જ રીતે કોરોનાના દર્દી માટેની ૧૦૮ વાનની સંખ્યા નહીંવત્ છે. તંત્ર પર આર્થિક ભાર ના વધે તે માટે ૨૦ ટકા રિઝર્વ બેડ ધરાવતી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને ડી-નોટિફાય કરાય તે સમજી શખાય તેમ છે, પરંતુ કોરોના ગયો નથી, ગઇકાલે ેના છ કેસ નોંધાયા હતા.
વિશ્વ આરોગ્ય સંસ્થા પણ દુનિયામાં કોરોનાની થર્ડ વેવ શરૂ થઇ ચૂકી હોવાનું જણાવે છે. ડેલ્ટા વેરિઅન્ટ ભારતમાં પણ આવી પહોંચ્યો છે અને તે વધુ ચેપી હોઇ શહેરમાં ગમે ત્યારે સ્થિતિ સ્ફોટક બની શકે છે. મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સત્તાવાળાઓ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું કે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું વગેરે કોરોનાના ઉપદ્રવને ફેલાતો અટકાવવાના માપદંડ તરફ પણ આંખ આડા કાન કરી રહ્યા છે, આ વિભાગ પેનલ્ટીની વસૂલાત કરતો જ નથી, પરિણામે અમદાવાદમાં કોરોનાની થર્ડ વેવનો ખતરો વધ્યો જ છે.