Western Times News

Gujarati News

થલતેજમાં નવા ડ્રેનેજ નેટવર્ક-પમ્પીંગ સ્ટેશન માટે રૂા.૨૦ કરોડનો ખર્ચ થશે

મ્યુનિ.બજેટમાં ચાંદલોડીયામાં નવા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અને ચંદ્રાભાગા નાળાના ડેવલપમેન્ટ માટે આયોજનઃ લાંભા તળાવથી સાબરમતી નદી સુધી ચાર કિલોમીટર લંબાઈની ઓવરફ્લો લાઈનના નાંખવામાં આવશેઃ થલતેજમાં નવા ડ્રેનેજ નેટવર્ક-પમ્પીંગ સ્ટેશન માટે રૂા.૨૦ કરોડનો ખર્ચ થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે વિશ્વ બેંક દ્વારા રૂા.ત્રણ હજાર કરોડની લોન આપવામાં આવશે. જે પૈકી પ્રથમ તબક્કામાં રૂા.એક હજાર કરોડ મનપાને મળશે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા પ્રથમ ફેઝમાં ડ્રેનેજ લાઈનોના રીહેબ માટે રૂા.૧૫૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં ડ્રેનેજ બેકીંગ તેમજ ડ્રેનેજ લાઈનોના અપગ્રેડેશન માટે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રૂા.૧૧૫ કરોડનો ખર્ચ થવાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. સદર રકમની જાેગવાઈ નવા નાણાંકીય વર્ષના બજેટમાં કરવામાં આવશે. ૨૦૨૧-૨૨માં ચંદ્રભાગા અને ચાંદલોડીયા વિસ્તારની સમસ્યાના નિરાકરણ પર ભાર મૂકવામાં આવશે.

શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં ઘણા સમયથી ડ્રેનેજ બેકીંગની સમસ્યા વકરી રહી છે. આ વિસ્તારની ૧૬૦૦ એમ.એમ.ની ટ્રન્કમેન લાઈન લગભગ ભરેલી રહે છે. જેના કારણે ગટરના પાણી બેક મારી રહ્યા છે. તેથી ગોદરેજ ગાર્ડન સીટીથી હેબતપુરા કોન્સિંગ સુધી નવી ૧૬૦૦ એમ.એમ.લાઈન (આરસીસી) નાંખવામાં આવી રહી છે. જેમાં માત્ર ૩૦૦ મીટરનું કામ બાકી રહ્યું છે. સદર લાઈનનું કામ પૂર્ણ થયા બાદ તેના માટે મનપા નાણાંકીય વર્ષમાં રૂા.૧૫ કરોડના ખર્ચથી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલ ચંદ્રભાગાનાળામાં વર્ષાેથી ખુલ્લા વહેતા ડ્રેનેજ પાણીને બંધ કરવા માટે કાળીગામ ગરનાળાથી પ્રબોધ રાવલ બ્રીજ સુધી વહેલાની બંને બાજુ નવી ડ્રેનેજ લાઈન નાંખવા માટે રૂા.૨૫ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. જે પૈકી ૨૦૨૧-૨૨માં રૂા.૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

તદુપરાંત ચંદ્રભાગા વહેલાથી પ્રબોધ રાવલ બ્રીજ પર આર.સી.સી. બોક્ષ બનાવી તેને ગોતા-ગોધાવી કેનાલની માસ્ક ડેવલપ કરવામાં આવશે. ચંદ્રભાગા વહેલાથી બ્રીજ સુધી ૨૪ મીટરનો રોડ ડેવલપ કરવામાં આવશે. જેના માટે વર્લ્ડબેંકની લોનમાંથી ખર્ચની જાેગવાઈ કરવામાં આવશે. વર્લ્ડ બેંક લોનના પ્રથમ ફેઝમાં ચંદ્રભાગા વહેલા ડેવલપમેન્ટનો ડીપીઆર સબમીટ કરવામાં આવશે.

દક્ષિણ ઝોનના લાંભા વિસ્તારમાં આવેલા નવાણા પમ્પીંગ સ્ટેશનમાં કેપેસીટી કરતા વધુ “ઈનફ્લો” થઈ રહ્યો હોવાથી ડ્રેનેજ બેકીગની સમસ્યા વકરી રહી છે. સદર સમસ્યાના નિવારણ માટે નવાણા પમ્પીંગની બાજુમાં નવું ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવશે. તેમજ ગ્યાસપુર, પીપળજ વિસ્તારમાં નવા નેટવર્ક અને પમ્પીંગ સ્ટેશન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે નવા બજેટમાં રૂા.૧૦ કરોડની જાેગવાઈ થઈ શકે છે. લાંભા વિસ્તારના તળાવને ડેવલપ કરવામાં આવ્યું છે. તળાવ પાસે પાંચ એમ.એલ.ડી.ક્ષમતાનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ૧૩.૫૦ એમ.એલ.ડી. ક્ષમતાનું પમ્પીંગ સ્ટેશન પણ છે. પરંતુ તળાવ ઓવરફ્લો થાય તેવા સંજાેગોમાં પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. તેથી લાંભા તળાવથી સાબરમતી નદી સુધી અંદાજે ચાર કિલોમીટર લંબાઈની ઓવરફ્લો લાઈન નાંખવામાં આવશે. જેના માટે કુલ રૂા.દસ કરોડનો ખર્ચ થશે. જે પૈકી ૨૦૨૧-૨૨માં રૂા.ત્રણ કરોડ ખર્ચ કરવામાં આવશે.

ચોમાસાની સીઝન પહેલા ડ્રેનેજ લાઈનો ડીશીલ્ટીંગ કરવામાં આવે છે. નવા નાણાંકીય વર્ષમાં ઉત્તર, પૂર્વ અને અન્ય ડ્રેનેજ લાઈનો સીસીટીવી કેમેરાથી ડીશીલ્ટ કરવા માટે રૂા.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે ઉત્તર ઝોનના સરસપુર વિસ્તારમાં ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન માટે રૂા.સાત કરોડ, ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં ટી.પી.૬૭માં નવી ડ્રેનેજ લાઈન નાંખવા માટે રૂા.૧૫ કરોડ, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં અપગ્રેડ કરવામાં આવેલા પમ્પીંગ સ્ટેશનનો રાઈઝીંગ લાઈનો નાંખવા માટે રૂા.૧૨ કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં જગતપુર છારોડીની ટી.પી. ૩૪, ૩૬,૬૪ અને ૬૫માં નવા સુઅરેજ નેટવર્ક નાંખવા માટે રૂા.૨૦ કરોડ તેમજ થલતેજ વોર્ડમાં ટી.પી.૩૦૧, ૪૦૫, ૨૧૫ અને ૫૩-એમાં સુએઝ પમ્પીંગ સ્ટેશન સાથે સુઅરેજ નેટવર્ક નાંખવા માટે રૂા.૨૦ કરોડના ખર્ચ કરવાના અંદાજ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ કામ માટે ૨૦૨૧-૨૨ના બજેટમાં અલગથી જાેગવાઈ કરવામાં આવશે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.