થલતેજમાં પીસીબીની રેડ: સટ્ટો રમતાં ૮ની ધરપકડ

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના થલતેજ વિસ્તારમાં પીસીબીની ટીમે રેડ કરીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૮ લોકોની ધરપકડ કરી છે અને એક લાખ નેવુ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે થલતેજ ગુરુદ્વારા પાછળ આવેલા પુરૂષોત્તમ બંગલોમાં કેટલાક લોકો ક્રિકેટ પર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મંગળવારે રાત્રે ૧૦.૦૦ વાગ્યે પોલીસની ટીમે દરોડો પાડતાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૮ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી મોબાઈલ નંગ-૧૮, ટેબલેટ, લેપટોપ, વોઈસ રેકોર્ડર, ડાયરી તથા રોકડા રપ હજાર અને દારૂની સાત બોટલો પણ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ધર્મરાજ ઉર્ફે ધમભા વાળા (રહે.પુરુષોત્તમ બંગલો, થલતેજ, મુળ અમરેલી) અને ધવલ અરવિંદ ધામેચા રહે. રાજકોટ બંને ભેગા મળીને સટ્ટો રમાડતા હોવાનું બહાર આવ્યું છે.