થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો એલિવેટેડ બ્રિજ શરૂ કરાયો
અમદાવાદ, થલતેજ અંડરપાસથી શરૂ કરીને સોલા ઓવરબ્રિજ-રેલવે પૂલ સુધીના ૧૫૦૦ મીટરના ૬ માર્ગીય ફ્લાયઓવર આજથી શરૂ કરાયો છે. ફ્લાયઓવરનું કામ પૂર્ણ થતાં વાહનચાલકોને સુવિધા મળી રહે તે હેતુથી આજથી આ ફ્લાયઓવર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરના નાગરિકોની સુખાકારી માટે શહેરમાં સતત વિકાસની પ્રક્રિયા વેગવંતી ધોરણે કાર્યરત છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરને જાેડતી કડીરૂપ સરખેજ ગાંધીનગર હાઇવે પર સતત વધી રહેલા વાહનવ્યવહારના કારણે અનેક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે થલતેજ અંડરપાસથી ગોતા સુધીનો ૪૨૦૦ મીટરનો કુલ ૪.૧૮ કિ.મી એલિવેટેડ બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
સરખેજ – ગાંધીનગર હાઇવે પર છ માર્ગીય રસ્તો ખુલતા નાગરિકોને અવરજવર કરવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામા સમય અને નાણાંની બચત થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, થલતેજ અંડરપાસથી પસાર થયા બાદ ઝાયડસ સર્કલ સુધી ખૂબ ટ્રાફિક રહેવા પામતો હતો,
જેથી નાગરિકોની સુખાકારી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત ર્નિણય લઈને થલતેજથી ગોતા સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોર બનાવવાનુ કાર્ય ઝડપથી પૂર્ણતાના આરે છે. આજે ૧.૪૮ કિમીનું એક માર્ગીય કાર્ય પૂર્ણ થતાં લોકો તેના પર વાહનવ્યવહાર કરી શકશે. થલતેજથી ગોતા સુધીના સમગ્ર બ્રિજનો કુલ ખર્ચ રૂ.૩૨૫ કરોડ થવાનો અંદાજ છે, જેમાંથી આજે ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજનો ખર્ચ રૂ.૫૧ કરોડ થયેલો છે.
આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, માર્ગ અને મકાન વિભાગના પદાધિકારીઓ અધિકારીઓ, કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. ૩૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ ૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા સિંધુભવન ચાર રસ્તા અને ૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા સાણંદ ચાર રસ્તા પરના ફ્લાય-ઓવરના લોકાર્પણ પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યાં હતાં.
જ્યારે ૧૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉવારસદ વાળા ફ્લાય-ઓવરને ફેબ્રૃઆરી ૨૦૨૦માં વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે ૮૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા વૈષ્ણોદેવી અને ખોડિયાર વચ્ચેના બ્રિજનું ઉદઘાટન પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. હવે સરગાસણ અને ઈન્ફોસિટી બ્રિજનું કામ બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.
હાલમાં ઝાયડસથી સોલા વચ્ચેના બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે. અમદાવાદ-ગાંધીનગરને જાેડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. ૬ પૈકી ૪ ફ્લાય-ઓવર હવે બનીને તૈયાર થઈ ગયા છે.
અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય ૪૫ મિનિટથી ઓછો થઈને ૨૦થી ૨૫ મિનિટનો થશે. ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો એસજી હાઈવેનો ઉપયોગ કરે છે, ત્યારે આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી એના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાંથી ઘણા બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં તેમને જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે.