થાઈલેન્ડથી ગુજરાત ફરવા આવેલી પાંચ યુવતીઓ દારૂની બોટલો સાથે ઝડપાઈ
વલસાડ,ગુજરાતમાં દેશી કે વિદેશી દારૂ પકડાઈ તે વાતમાં કોઈને નવાઈ ન લાગે. એક-બે બોટલ તો ઠીક, ટ્રકો ભરીને વિદેશી દારૂ ઝડપાયાના દાખલા છે. બીજી તરફ વલસાડ જિલ્લાની પારડી પોલીસે વિદેશી દારૂ સાથે થાઈલેન્ડની પાંચ યુવતીઓને ઝડપી પાડી છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચેય યુવતીએ ફરવા માટે આવી હતી. પાંચેય યુવતીએ દમણથી ફરીને પરત ગુજરાત આવી રહી હતી.
આ દરમિયાન તેમની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી. આ મામલે પારડી પોલીસે કાર્યવાહી કરી છે. દમણથી સાથે લાવેલી વિદેશી દારૂની બોટલો સાથે પારડી પોલીસે આ પાંચેય વિદેશી યુવતીઓને ઝડપી લીધી હતી. તમામ વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. બનાવની વિગત મુજબ સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતની હદમાં પ્રવેશતા વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનની કલસર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગમાં હતી.
આ દરમિયાન દમણ તરફથી આવી રહેલી એક ઈકો કારને પોલીસે અટકાવી હતી. પોલીસે કારને રોકી અંદર તપાસ કરતાં કારમાં પાંચ વિદેશી યુવતીઓ સવાર હતી. ચેક પોસ્ટ પર પોલીસે કાર અને તેમની પાસે રહેલી બેગની તલાસી લેતા યુવતીઓ પાસે રહેલી બેગોમાંથી મોંઘી બ્રાન્ડની આઠ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે બાદમાં પોલીસે આ તમામ યુવતીઓની અટકાયત કરી હતી. પોલીસ તમામ યુવતીઓને પોલીસ સ્ટેશન લાવી હતી.
પાંચેયની પૂછપરછ કરતા યુવતીઓ થાઈલેન્ડ મૂળની હોવાની માહિતી મળી હતી. તમામ યુવતીઓ સુરત અને ભરૂચથી કાર ભાડે કરી અને દમણ સહેલગાહે આવી હતી. અહીં ખાવા-પીવાની મોજ કરીને દમણથી પરત ગુજરાત આવી રહી હતી. તમામ પરત ફરી રહી હતી ત્યારે જ પારડીની કલર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાઈ ગઈ હતી