થેન્ક્યુ પપ્પા, સોરી પપ્પા……!-પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું
માતા…. ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા… ઘરનું અસ્તિત્વ હોય છે,પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?
પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.લેખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણ કે નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે, પોતાની માતા મૃત્યુ પામે તો પણઆજે હું મારા પપ્પા વિશે લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું,
અમે બધા છોકરાઓ ફાધર ને પપ્પા નહીં ,-કાકા-કહીને બોલાવતા, તેમના ત્રણેય ભાઈઓ માં મારા ફાધર સૌથી નાના એટલે તેમના મોટા ભાઈ ના છોકરાઓ મારા ફાધરને કાકા કહે એટલે અમે પણ પપ્પાને કાકા કહીને જ બોલાવતા, જોકે સૌથી નાના મારા પપ્પા હતા એટલે અમારે સગા કાકા હતા જ નહીં! કાકા નું વ્યક્તિત્વ શ્રીફળના ત્રોફા જેવું, બહારથી કડક અને અંદરથી મુલાયમ,, તે વખતે અમારો મોટો પરિવાર પરિવારમાં ટોટલ દસ જણા, અમે ચાર ભાઈઓ અને ચાર બહેનો, કાકા અને બા, કુલ દસ જણા,, આટલા બધા ને ખવડાવવું જ જેવી તેવી વાત નહોતી, કરિયાણાની નાના ગામમાં નાની એવી દુકાન, એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ છતાં પણ અમને છોકરાઓને આની લેશમાત્ર ખબર નહોતી પડવા દીધી! છતાં પણ દરેકને ભણાવ્યા ગણાવ્યા અને વ્યવહારિક કામ પતાવ્યા.
દુકાનના માલની ખરીદી કરવા ભાવનગર જાય ત્યારે મારે માટે શક્કરપારા અચૂક લેતા આવે, હું નાનો હતો ત્યારે સકરપારા ને શંકર પારા કહેતો! કાકા બહારગામથી ઘરે આવે ત્યાં સુધી અમો તેની રાહ જોઈને જાગતા હોઇએ પેલા ભાગના હિસાબે! થેલીમાંથી એક નાનું પેકેટ સકરપારા નું કાઢે અને બાને આપીને કહે,, તારા લાડલા ના શંકર પારા! ત્યારબાદ ફ્રુટ અને બીજો ભાગ બધા છોકરાઓને ભાગે પડતો આપે, પોતે ધોતી અને ઝભ્ભો જ કાયમ પહેરે, પણ અમને નાના હતા તો પણ પેન્ટ અને આખી બાય નો શર્ટ પહેરવાનું કહે પાછા એમ દલીલ કરતા કહે કે તમે ચડી માં અને અડધી બાંયના શર્ટ માં પાતળા વધારે દેખાવ છો! દિવાળી આવે એટલે બધાને કપડા લેવાનું હોય ત્યારે તુરત બોલી પડે મારે તો બે ધોતિયા સારા છે,,તીનોપાલ કે ગળી થી ધોઈ નાખજે, થઇ જશે નવા જેવા!
ત્યારે બા થોડા ખીજાય,, ત્યારે કાકા હસ્યા કરે, આમ તો બા કાકા ને સામે બોલવાની કે કંઈક કહેવાની હિંમત ન કરે પણ અવાજ ટાઈમે બા ખીજાય તો કાકા ખડખડાટ હસતા હોય,,! પોતાના માટે થોડી કરકસર કરે પણ અમને છોકરાઓને કાયમ આનંદમાં રાખે,, સ્વભાવ થોડો કડક કોઈની ખોટી વાત કે ખોટી સલાહ આવે તો મોઢામોઢ જેવું હોય તેવું તેમને કહી દે,, પછી સામેવાળો ભલે કોઈ ચમરબંધી હોય! ખુમારી તો તેમના લોહીમાં વહે,,
અમને છોકરાઓને પણ સલાહ આપે, કોઈની પાસે ક્યારે પણ લાચારી માટે નહીં,, વટ થી જિંદગી જીવવાની,, પછી તો સમય જતાં મોટાભાઈ એ ભણવાનું છોડીને દુકાન સંભાળી લીધી અને કાકાને નિવૃત કર્યા,, ત્યાર પછી મેં પણ અભ્યાસ પૂર્ણ કરીને દુકાનમાં મોટાભાઈને મદદ કરવા વિચાર્યું,, પછી તો હું પણ ખરીદીમાં ભાવનગર જવા લાગ્યો,, ભાવનગર જાવ એટલેકાકા તેના માટે બ્લેક કલરની ટોપી અને ધોતી મંગાવે, ઘરે ભલે પોઝિશન ગમે એવી હોય પણ સમાજ મા એટીકેટ રહેવાનું પસંદ કરતા,, ધોતી અને ઝભો નવા ન હોય તો ચાલે પણ સ્વચ્છ અને સુઘડ હોવા જોઈએ,, ભાવનગર જાવ ત્યારે ચાર કે છ મહિને ટોપી અને ધોતી મંગાવે પણ છેલ્લા ઘણા સમયથી આ બે વસ્તુ મંગાવેલી નહીં એટલે મને પણ નવાઈ લાગતી હતી,.
એક મોડી રાત્રે અચાનક મારી ઊંઘ ઊડી ગઈ, અને જોયું તો કાકા ના રૂમની લાઈટ ચાલુ હતી, ઉભા થઈને અંદર નજર કરી તો, કાકા તેના ધોતી ને સોય દોરાથી સાંધતા હતા! પછી તો તે રાત્રે આખી રાત હુંઊંઘી ન શક્યો બસ પડખાં ફેરવતો રહ્યો, અને વિચારતો હતો કે તેના સંતાનો માટે આખી જિંદગી ખર્ચી નાંખનાર વ્યક્તિ તેના પોતાના માટે એક ધોતી પણ ખરીદી નથી શકતો!
રાત્રે વાળું પાણી કરીને અમે છોકરાઓ બહાર ફરવા જઇએ અને રાત્રે ઘરે આવતા જો મોડું થયું તો કાકા રાત્રે જ મોટી મોટી સંભળાવે,, રાત્રે ૧૨ વાગ્યા સુધી ત્યાં શું કરો છો? અમે તો મિત્રો સાથે બેઠા હોઈએ, પણ એમાં મોડું થાય તો કાકા ને નો ગમે,, અને પછી ઓર્ડર કરે કે દસ-સાડા દસે ઘરે અચૂક આવતું રહેવાનું ત્યાર પછી દરવાજોબંધ થઈ જશે અને સાચે જ એવું જ કરતા, પછી તો છાનામાના બા દરવાજો ખોલે,!
અત્યારે હવે હું ૨ દીકરાનો બાપ બન્યો ત્યારે મને કાકા ની વાત સો ટકા સાચી લાગે છે, ત્યારે કાકા ઉપર મનોમન ગુસ્સો થતો, હવે સમજાય છે કે ત્યારે કાકા બિલકુલ સાચા હતા, ઘરે સંતાન ટાઈમ સર નો આવે એટલે એના માબાપની શું દશા થાય, એ તો હવે ખબર પડી!!
પપ્પાની વસમી વિદાયને આજે ૧૮ વર્ષના વાણા વિતી ગયા , સ્મૃતિપટ પર હજી પણ તેમને યાદ ભુલાતી નથી, છેલ્લે તેમને શ્રદ્ધાંજલિ આપી વિરમુ છું તો આપ અમારી સાથે નથી હવે પરંતુ તમારી વ્હાલ સોહી યાદો નો અખૂટ ભંડાર આમારા હૃદયમાં ધબક્યા કરે છે આપણું સિંહ સમું વ્યક્તિત્વ, સદા હસતો ચહેરો, બધાને મદદરૂપ થવાની ભાવના,ઉદારતા, નીડરતા અને આપના પ્રેમભર્યા સાન્નીધ્યમાં અનુભવી હતી એ હૂંફ, એ ઉષ્મા… આપણી સાથે વિતાવ્યો હતો એ સમય, જ જીંદગીપએ બધું અકબંધ રહ્યું છે. બસ કંઈક ખૂટે છે તો એ છે તમારું સાંનિધ્ય તારો એ સાદ ને તમારો એ વહાલ.આપ જ્યાં હો ત્યાંથી મારા પર આશિર્વાદ વરસાવતા રહો .એ જ પ્રાર્થના .. આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના.