થોડું સાચવજોઃ કોરોનાના સેલ્ફ ટેસ્ટિંગ બાદ જાતે ડોક્ટર બનવાનું ભારે પડશે
અમદાવાદ, સામાન્ય તાવ કે શરદી-ખાંસી થતા કે પાડોશી કે કલીગને પણ આ સમસ્યા થતાં જ લોકો કોરોના સેલ્ફ ટેસ્ટિંગ માટે દોટ મૂકે છે એટલું જ નહીં, પરંતુ ટેસ્ટિંગ બાદ જાતે ડોક્ટર બની જઇને અનેક પ્રકારની દવાઓ લઇ આરોગ્યને મોટું નુકસાન પહોંચાડે છે.
ઇમ્યુનિટી બૂસ્ટર ડોઝ, કોરોના પ્રિવેન્ટિવ દવાઓ અને સેલ્ફ મેડિકેશન પાછળ લોકોની આંધલી દોટ આરોગ્ય માટે હાનિકારક હોવાનું ડોક્ટર્સ ચિંતા સાથે જણાવી રહ્યા છે.
મોટા ભાગે લોકો ક્વોરન્ટાઇન થવાના ડરથી કોરોના પોઝિટિવ આવ્યો હોવા છતાં છુપાવી રહ્યા છે. મેડિકલ સ્ટોરમાં કે અન્ય સ્થળોએ તો હવે કોરોનાની દવાની રેડી કિટ મળતી થઇ ગઇ છે, જેનો લોકો બેફામ દુરુપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ લોકો કોરોનાનો ટેસ્ટ પોતાની મેળે ઘરે જ કરી શકે છે. હાલ અમદાવાદ સહિત સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એક નવો ટ્રેન્ડ જાતે જ કોરોના ટેસ્ટિંગ કરવાનો શરૂ થયો છે, જેના કારણે તંત્રને ખબર જ નથી હોતી કે કોરોના સંક્રમિતોનો સાચો આંકડો કેટલો છે ? સોશિયલ મીડિયા દ્વારા કોરોના સેલ્ફ ટેસ્ટિંગ બાદ જાતે ડોક્ટર બનીને દવાઓ લેતા લોકો તેમની કિડની સહિત શરીરના અન્ય અવયવોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.
ત્રીજી લહેર પૂર્ણતાના આરે હોવાની શક્યતાઓ વચ્ચે એક મોટો ડર સેલ્ફ ટેસ્ટિંગ કિટનો નિષ્ણાતોને સતાવી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રોજની હજારો કોરોનાના ટેસ્ટ સેલ્ફ ટેસ્ટિંગ કિટથી થઇ રહ્યા છે અને લોકો સંક્રમિત હોવાનું છુપાવી રહ્યા છે.
કોરોના ટેસ્ટંગ માટેની લાઇનમાં ઊભા રહેવા અને રાહ જાેવા જેવી બાબતોમાંથી છુટકારો મેળવવા લોકો શોર્ટકટ શોધી લે છે. એક અંદાજ મુજબ હજારોની સંખ્યામાં ટેસ્ટિંગ કિટનું વેચાણ મેડિકલ સ્ટોરમાંથી થઇ રહ્યું છે. આટલા બધા લોકો એન્ટીજન કિટનો જાતે જ ઉપયોગ કરી રહ્યા હોય તો ખરેખર આંકડો વધારે હોઇ શકે છે, કારણ કે નિષ્ણાતોના મતે હોમ ક્વોરન્ટાઇન રહી ખાનગી હોસ્પિટલ કે તબીબોની સારવાર લઇ રહેલા લોકોની સંખ્યામાં કોઇ પણ પ્રકારનો ઘટાડો થઇ રહ્યો નથી. (એન. આર)