દંડક એટલે મસ્તીખોર મોનિટર: વડોદરામાં BJPના મહિલા કોર્પોરેટરે ભાંગરો વાટયો
વડોદરા, વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ થયો છે. વિધાનસભાના દંડક બાળુ શુકલની ઉપસ્થીતિમાં પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષા ઠક્કરે તેમને દંડક એટલે મોનિટર ગણાવ્યા અને સાથે સાથે કલાસમાં જે તોફાની વિદ્યાર્થી હોય તેને મોનિટર બનાવવામાં આવતા હોય છે તેવું નિવેદન કરતા ભાજપ મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
શિક્ષણ સમિતિ દ્વારા ત્રણ દિવસ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વિધાનસભાના દંડક બાળુ શુકલને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને તમામ આગેવાનો અધિકારીઓએ વધુને વધુ બાળકો શિક્ષણનો લાભ લે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત રહે નહીં તે માટેના પ્રયત્નો કરવા અપીલ કરી હતી.
પ્રવચન દરમિયાન ભાજપના મહિલા કાઉÂન્સલર હેમીષા ઠક્કરે વિધાનસભાના દંડકની બાળકોને ઓળખાણ આપતા કટાક્ષમાં જણાવ્યું હતું કે, દંડક એટલે મોનીટર. અમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે જે વિદ્યાર્થી તોફાની હોય તે જ વિદ્યાર્થીને મોનિટર બનાવવામાં આવતા હતા. ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાન દંડક બાળુ શુકલની મજાક ઉડાવતા જણાવ્યું કે, દંડક એટલે શું ?
દંડક એટલે મોનિટર. હું શાળામાં ભણતી હતી ત્યારે પરંપરા હતી. શાળામાં મસ્તીખોર હોય, કોઈનું ન સાંભળી મનમારી કરે, રેગ્યુલર હાજર ન રહે, લેશન કમ્પલીટ ન કર્યું હોય તેવા બાળકને અમે મોનિટર બનાવતા હતા. મોનિટર એટલે કલાસની સાળ સંભાળ રાખનાર તેવા વિધાનસભાના દંડકનું તાળીઓથી અભિવાદન કરો. આમ ઉદ્દબોધન દરમિયાન હેમીષા ઠક્કરે ભાંગરો વાટયો હતો અને ધમાલિયા કલાસ મોનિટર જેવા દંડક બાળુ શુકલની તુલના કરતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં પાલિકાની પોલ ખોલવામાં હેમીષા ઠક્કર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેઓના પ્રશ્નોના જવાબ આપવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ કે મ્યુનિ. કમિશનરને પણ હાંસિયામાં મૂકાવવું પડયું હોવાના બંધ બારણે કિસ્સાઓ બન્યા છે.