દંડ માગતા બનાવટી PSI બનીને યુવકે રોફ જમાવ્યો
અમદાવાદ: કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાવતી વખતે સરકારી કર્મચારીઓ અને પ્રજા વચ્ચે અનેક વખત ઘર્ષણના બનાવો જાેવા મળી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જ્યારે માસ્ક ન પહેરવા બદલ દંડની વાત આવે ત્યારે લોકો મિજાજ ગુમાવી દેતા હોય છે. લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીને તેમને મનફાવે તેમ બોલતા હોય છે. એક દિવસ પહેલા નારણપુરામાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. હવે વસ્ત્રાપુર વિસ્તારમાં માસ્કનો દંડ ન ભરવો પડે તે માટે એક શખ્સે પોલીસને પોતે પીએસઆઇ હોવાની ઓળખ આપી હતી.
જાેકે, પોલીસે વ્યક્તિનું આઈકાર્ડ માંગતા જ આરોપીની પોલ ખુલ્લી પડી ગઇ હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સિંધુભવન રોડ પર ઠેંફ કારમાં મહિલા અને પુરુષ બેઠા હતા. ડ્રાઈવર સીટ પર બેઠેલા વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે તેને બોલાવીને તેની પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂપિયા ૧,૦૦૦નો દંડ માંગ્યો હતો. જ્યારે આ વ્યક્તિ પોલીસની નજીક આવ્યો ત્યારે પોલીસ જાેયું તો તેના કમરે રિવોલ્વર લટકતી હતી. જે અંગેના લાઇસન્સનો ફોટો તેણે મોબાઈલમાં બતાવ્યો હતો.
જાેકે, માસ્કનો દંડ ન ભરવો પડે તે માટે તેણે પોતે ગાંધીનગર પોલીસ ભવનમાં પી.એસ.આઈ હોવાની ઓળખ આપી હતી. જેથી પોલીસે તેની પાસે આઈકાર્ડની માંગણી કરી હતી. જવાબમાં સામેની વ્યક્તિએ આઈકાર્ડ સાથે ન હોવાનું કહીને પર્સ ઘરે ભૂલી ગયો હોવાના બહાના બતાવ્યા હતા. જે બાદમાં પોલીસને શંકા જતા વ્યક્તિની ઉલટ તપાસ કરી હતી. પોલીસ તપાસમાં વ્યક્તિ બોડકદેવનો રહેવાસી શૈલેષભાઈ મહેશ્વરી બનાવટી પીએસઆઈ હોવાનું બહાર આવતા તેની સામે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરીને કાર્યવાહી શરૂ કરી છે.