દંપતિનું એક દિવસના અંતરે કોરોનાના કારણે મોત થયું
રાજકોટ: ગુજરાતમાં હવે કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થતું જાેવા મળી રહ્યું છે. રવિવારે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૪૬૯ કેસો નોંધાયા છે અને વધુ ૫૪ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૪૮૦૦ પર પહોંચ્યો છે. ત્યારે ગોંડલના દંપતિનું એક દિવસના અંતરે કોરોના વાયરસના કારણે મોત થયું હોવાની કરુણ ઘટના બની છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના ગોંડલ શહેરના જેતપુર રોડ નજીક રહેતા ૪૫ વર્ષીય જીતેન્દ્રભાઈ ઠુંમર અને તેમના પત્ની વસંતબેન છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસ સંક્રમિત થયા હતા. તેઓ બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. પરંતુ, તબિયતમાં સુધારો નહીં થતાં તેઓને જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ, શનિવારે વસંતબેનનું નિધન થયું હતું
જીતેન્દ્રભાઈનું રવિવારે નિધન થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો. પત્ની વસંતબેન ઠુંમરનું મૃત્યુ થવાના ગણતરીના કલાકોમાં જ પતિ જીતેન્દ્રભાઈનું પણ રવિવારે નિધન થતાં પુત્ર અને પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. એક જ દિવસના અંતરે આ દંપતિને કોરોના ભરખી જતાં તેમના પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. કોરોના વાયરસના કારણે વધુ એક પરિવારનો માળો પિંખાયો છે.