દંપતીએ મોતનું નાટક કરીને LICમાં ક્લેઈમ પાસ કરાવ્યો
અમદાવાદ: કરજણ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે નોંધાયેલા છેતરપિંડીના ચોંકાવનારા કેસમાં મણીનગર ઈસ્ટમાં રહેતા એલઆઈસી ઈશ્યોરન્સ એજન્ટ પરાગ પારેખ અને તેની પત્ની મનીષા પારેખની ધરપકડ કરવામાં આવી છે. બંનેએ એકબીજાના નકલી ડેથ સર્ટિફિકેટ બતાવીને ઈન્શ્યોરન્સ સેટલમેન્ટ ક્લેઈમના ૧૫ લાખ અને ૨૫ લાખ રૂપિયા લીધા હતા. કરજણ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ડીવી તડવીએ જણાવ્યું કે, શનિવારે સાંજે બંને આરોપીઓના કોવિડ-૧૯ ટેસ્ટ કરાયા બાદ તેમની ધરપકડ કરી લીધી છે. રિલીફ રોડ પર આવેલી જીવન પ્રકાશ બિલ્ડીંગમાં સીનિયર મેનેજર કૌશિક શાહે નોંધાવેલી એફઆઈઆર મુજબ, પારેખે પોતાની પત્ની મનીષાના નામ પર ૧લી જાન્યુઆરી ૨૦૧૨માં ૧૫ લાખ રૂપિયાની ટર્મ પોલિસી લીધી હતી અને રેગ્યુલર પ્રીમિયમ ભરતો હતો.
જોકે ૫મી મે ૨૦૧૬એ પરાગે પોતાની પત્નીનું નકલી ડેથ સર્ટિફિકેટ રજૂ કર્યું અને પ્રાથમિક તપાસ બાદ તેને ૧૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઈન્સ્પેક્ટર તડવી કહે છે, આ દરમિયાન પરાગે પોતાની રૂપિયા ૨૫ લાખની ટર્મ પોલિસીને માર્ચ ૨૦૧૭માં ગાંધીનગર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દીધી અને નોમિનીમાં પત્નીનું નામ લખાવ્યું. ઈન્સ્પેક્ટર તડવી કહે છે, અહીં પણ તેની પત્નીએ પતિનું નકલી ડેથ સર્ટિફિકેટ રજૂ કર્યું અને એલઆઈસીની ઓફિસમાંથી ફાયદો ઉઠાવ્યો.
અમારી તપાસની માહિતી મુજબ, તેની પત્નીએ પણ વીમાના ૨૫ લાખ રૂપિયા લીધા હતા. એફઆઈઆર મુજબ, ૧૪ જુલાઈ ૨૦૨૦માં કરાયેલા ઓડિટમાં સમગ્ર મામલો સામે આવ્યો કે પત્નીનું નકલી મૃત્યુ દર્શાવીને પરાગે પોતાની એલઆઈસી પોલિસીના નોમિનીમાં તેનું નામ ઉમેરાવ્યું હતું. ઈન્સ્પેક્ટર તડવી કહે છે, બાદમાં આંતરિક તપાસ કરવામાં આવી અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. ઈન્ટરનલ ઈન્ક્વાયરીના આધારે એલઆઈસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમે આરોપીઓને રવિવારે મેજિસ્ટ્રેટ બંગલોમાં રજૂ કરવા માટે તેમની ધરપકડ કરી હતી.