દંપતી પાસેથી નકલી પોલીસે ૫,૦૦૦ રૂપિયા પડાવી લીધા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Mask-Western1-1024x768.jpg)
અમદાવાદ: અમદાવાદઃ બુધવારે બપોરે પોલીસના સ્વાંગમાં આવેલા એક શખ્સે મટન લઈને જઈ રહેલા દલિત દંપતીને રોક્યું હતું અને તેમની પાસેથી ૫,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા. બાગ-એ-ફિરદૂસ વિસ્તારમાં રહેતા પ્રવીણ વાઘેલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પ્રવીણભાઈ અને તેમના પત્ની બકુલાબેન બુધવારે બપોરે ૧.૧૫ વાગ્યાની આસપાસ મચ્છી માર્કેટમાંથી મટન લઈને ઘરે આવતા હતા.
ત્યારે ગરીબનગર ચાર રસ્તા પાસે મોટરસાઈકલ પર આવેલા એક રુષ્ટપુષ્ટ શખ્સે જબરદસ્તીથી તેમનું સ્કૂટર અટકાવ્યું હતું. ફરિયાદ મુજબ, લગભગ ૩૫ વર્ષની ઉંમર ધરાવતા શખ્સે ગુલાબી રંગનું શર્ટ પહેર્યું હતું અને પોલીસકર્મી જેવા વાળ કપાવ્યા હતા. તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.
બાદમાં તે શખ્સે બકુલાબેનના હાથમાં રહેલી કાળી થેલી ખોલવાનું કહ્યું હતું. આ થેલીમાં મટન હતું. તેણે દંપતીને કહ્યું કે, મટન લઈ જવું ગેરકાયદેસર છે અને આ માટે ૬ મહિનાની જેલની સજા થઈ શકે છે.
બાદમાં તે શખ્સે પોતાના ઉપરી પોલીસ અધિકારીઓ સાથે ફોન પર વાત કરતો હોવાનો ડોળ કર્યો અને મહિલા પોલીસકર્મીઓ સાથે ઘટનાસ્થળે આવવાનું કહ્યું હતું. પછી તેણે દંપતીને કહ્યું કે, જાે તેઓ ‘ચા-પાણી’ના રૂપિયા આપશે તો તેમને જવા દેશે. નકલી પોલીસ બનીને ફરતા એ શખ્સે પ્રવીણભાઈ પાસેથી ૧૦૦૦ રૂપિયા લીધા. તેમની પાસે આનાથી વધારે રૂપિયા ના હોવાથી તેમને નજીકના છ્સ્ પર લઈ ગયો હતો.
ત્યાંથી ૪,૦૦૦ રૂપિયા ઉપાડ્યા અને પેલા શખ્સને આપ્યા હતા, તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે. પ્રવીણ વાઘેલાએ કહ્યું, ગટરનું કામ કરતાં કોન્ટ્રાક્ટરો સાથે હું મજૂરી કામ કરું છું. મને ૧૦ દિવસના કામનું વેતન હાલમાં જ મળ્યું હતું. ૫,૦૦૦ રૂપિયા મારા માટે મોટી રકમ છે. હું વણકર સમાજમાંથી આવું છું અને અમે નોન-વેજિટેરિયન ફૂડ ખાઈએ છીએ.
વર્ષોથી માંસ વેચતી દુકાનમાંથી મેં ૧૦૦ રૂપિયામાં ૫૦૦ ગ્રામ મટન ખરીદ્યું હતું અને એ માટે મને આ રીતની સજા મળી હતી. બાપુનગર પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે આ કેસમાં ૩૫ વર્ષના ઈમરાન અરમાનઅલી સૈયદની અટકાયત કરી છે. નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવવાના ત્રણ કેસ અગાઉ પણ ઈમરાન સામે નોંધાયેલા છે, તેમ સૂત્રોનું કહેવું છે.