દંપત્તી પોતાના રિસેપ્શનમાં બાળક લઈને જ સાથે પહોંચ્યું
હફીઝાબાદ: પાકિસ્તાનમાં એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક પેરેન્ટ્સે પોતાના બે મહિનાના બાળકને સાથે લઇને રિસેપ્શનમાં હાજરી આપી હતી, જેની એક તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે. આ કિસ્સો પાકિસ્તાનના હફીઝાબાદનો છે. જ્યાં લોકો આ રિસેપ્શનમાં સામેલ થયા તે તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. રિસેપ્શનમાં બંને પોતાના બાળકને લઇને પહોંચ્યા હતા. આ કપલની તસવીર સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે. આ લગ્નને લઈને લોકોએ જાતે જ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે રિસેપ્શનમાં આખરે આ બાળક કેવી રીતે સાથે છે.
કોઈકે કહ્યું કે ભાઈ, આ બાબત સમજણની બહાર છે તો કોઈએ કહ્યું કે કંઇક અલગ જ મામલો લાગી રહ્યો છે. બીબીસીએ આ કપલ સાથે વાત કરી અને આ મામલે વિસ્તૃત જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો. બીબીસીના સવાલો પર આ કપલે જવાબમાં કહ્યું કે, અમારું રિસેપ્શન ગત વર્ષ ૧૪ માર્ચ ૨૦૨૦ ના યોજાવાનું હતું. પરંતુ ૧૪ માર્ચના લોકડાઉન જાહેર થતાં રિસેપ્શન ટાળવું પડ્યું હતું. કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર થયા બાદ વિદેશથી પરત પોતાના દેશ પાકિસ્તાન આવવાનું સંભવ ન હતું, જેના કારણે તેમને ત્યાં રોકાવું પડ્યું. લોકડાઉન સતત વધતું ગયું અને રિસેપ્શન પણ તે સમયે કેન્સલ કરવું પડ્યું હતું. પરિવાર પણ રિસેપ્શનની તારીખને લઇને ઘણો અસમંજસમાં હતો.
ત્યારબાદ રમજાન અને પછી ઈદ, લોકડાઉન તેમ છતાં યથાવત રહ્યું. રેયાનનું કહેવું છે કે, સરકારે સપ્ટેમ્બર, ઓક્ટોબર લોકડાઉનમાં રાહત આપવાનું શરૂ કર્યું અને તે સમયે પત્ની પ્રેગનેન્ટ હતી. જેના કારણે રિસેપ્શન કરવું સંભવ ન હતું. તેથી વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં અનમોલે પુત્રને જન્મ આપ્યો. ત્યારબાદ અમે લોકોએ રિસેપ્શનનો પ્લાન બનાવ્યો. રિસેપ્શન માટે અમારો પરિવાર પણ તૈયાર થયો, ત્યારબાદ આ રિસેપ્શન સંભવ થઈ શક્યું.