દક્ષિણઝોનમાં ડીમોલેશન થયેલા બાંધકામોના પુનઃ નિર્માણમાં ભારે તેજી
૬-૧ર મહીના પહેલા તોડવામાં આવેલ બાંધકામો ને ફરીથી બાંધવા
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણઝોનમાં ગેરકાયદેસર બાંધકામો નો ધીકતો ધંધો ચાલી રહયો છે. એક સમયે મધ્યઝોનને અનઅધિકૃત બાંધકામોનું એ.પી.સેન્ટર માનવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા પાંચ-સાત વર્ષ દરમ્યાન દક્ષિણઝોનમાં ખૂબ જ મોટાપાયે મંજૂરી વિના બાંધકામો થયા છે. દક્ષિણઝોનના વટવા, લાંભા, બહેરામપુરા, દાણીલીમડા, મણીનગર સહીતના વોર્ડમાં ભૂ-માફીયાઓનું એકચક્રી શાસન ચાલી રહયું છે.
ઝોનના ઉચ્ચ અધિકારીઓ વચેટીયાઓની અને ભુ-માફીયાઓ વચ્ચે મજબુત સાંઠગાંઠ હોવાથી ડીમોલેશનના નામે લગભગ શૂન્ય બરાબર છે. ઉચ્ચકક્ષાએથી દબાણ આવે કે “વહીવટ”ના થયો હોય તેવા સંજાગોમાં જ મોટા ડીમોલેશન થાય છે. અન્યથા બે-ત્રણ ગાબડા પાડીને “વહીવટી” પ્રક્રિયા પુરી કરવામાં આવે છે.
ઝોનના પૂર્વ ડે.એસ્ટેટ ઓફીસરના કાર્યકાળ દરમ્યાન નવા ગેરકાયદેસર બાંધકામો થતા હતા. જયારે વર્તમાન ડે.એસ્ટેટ ઓફીસરે પદભાર સંભાળ્યા બાદ નવા અનઅધિકૃત બાંધકામોની સાથે-સાથે ૬-૧ર મહીના અગાઉ તોડવામાં આવેલ બાંધકામોના પણ પુનઃ નિર્માણ થઈ રહયા છે. જેના માટે રૂ.૧૦થી૧પ લાખ સુધીના વ્યવહાર થતા હોવાની ચર્ચાએ જાર પકડયું છે.
દક્ષિણઝોન ગેરકાયદેસર બાંધકામોનું “હબ” બની ગયું છે. ઝોનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયા છે. ડે.મ્યુનિ.કમીશ્નર તરીકે પરાગભાઈ શાહને ચાર્જ સોપવામાં આવ્યા બાદ ગેરકાયદેસર બાંધકામના ધંધામાં તેજી આવી હતી. જેના કારણો પરાગ શાહ સામે લોકાયુકતમાં પણ ફરીયાદ થઈ હતી.
તત્કાલીન ડે.એસ્ટેટ ઓફીસર નિલેશભાઈ બરંડા એ પણ ભેદી મૌન રાખીને ભુ-માફીયાઓ, વચેટીયાઓ, અને ભ્રષ્ટ અધિકારીઓને સાથ આપ્યો હતો. તથા પોલીસ મદદ મળતી હોવા છતાં બાંધકામો તોડવા ન હતા. ઝોનના નવા કે.એસ્ટેટ ઓફીસર મનીષભાઈ માસ્તરે આ પરંપરા જાળવી રાખવાની સાથેસાથે તેમાં થોડા સુધારા પણ કર્યા છે. તથા તુટેલા બાંધકામો ના નવેસરથી બાંધકામ કરવા અલગ ભાવ નકકી કર્યા છે.
ગત રપ ઓકટોબરે બહેરામપુરા વોર્ડની છીપા સોસાયટીમાં મંજૂરી વિના બનાવવામાં આવેલ ૦૬ માળના “હઝીમ રેસીડેન્સી” નામના બિલ્ડીંગને તોડવા માટે પોલીસ મદદ મળી હતી. પરંતુ તત્કાલીન ડે.કમીશ્નર વર્તમાન ડે.એસ્ટેટ ઓફીસરે અગાઉથી ગોઠવણ કરી હોવાથી ડીમોલેશન ના નામે પાંચ-સાત ગાબડા પાડવામાં આવ્યા હતા. હાલ આ મહાનુભાવો તથા વોર્ડ ઈન્સ્પેકટર ગીરીશ પટેલ ની રહેમ નજરે જે ગાબડા પાડવામાં આવ્યા હતા. તેમાં મરામત કામ થઈ રહયું છે. તથા બાંધકામ તેના મુળ માળખામાં પરિવર્તન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
બહેરામપુરા વોર્ડમાં જ સુએઝ ફાર્મ વિસ્તારમાં ૮૦ કરતા વધુ ગેરકાયદે બાંધકામ થયા છે. જેને તોડવાની નૈતિક હીંમત વોર્ડ ઈન્સ્પેકટર, ડે.એસ્ટેટ ઓફીસર ડે. પૂર્વ કમીશ્નરે દાખવી નથી. સુએઝ ફાર્મના અનઅધિકૃત બાંધકામો પૈકી લગભગ ચાર જેટલા બાંધકામો ને ના તોડવા માટે મ્યુનિ. ભાજપના જ એક હોદેદારે સુચના આપી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
બહેરામપુરા, વોર્ડના પટેલ મેદાનમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામો થયા છે. તેવી જ રીતે બેરલ માર્કેટ, છીપા સોસાયટી તથા છીપા કુવા પાસેના વિસ્તારોમાં પણ બેરોકટોક ગેરકાયદેસર બાંધકામ થઈ રહયા છે. ઝોનના લાંભા વોર્ડમાં સેકઠોની સંખ્યામાં નવા બાંધકામ ચાલી રહયા છે. તથા તોડવામાં આવેલ બાંધકામોના પુનઃનિર્માણ થયા છે. લાંભા (પૂર્વ)વોર્ડમાં લગભગ એક વર્ષ અગાઉ અંબિકાગ્લાસનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. તે સ્થળે ફરીથી બાંધકામ થઈ ગયું છે.
જયારે ત્રણ પહેલા “જયદીપ ટ્રેડર્સ” નામની કોમર્શીયલ મિલ્કતનું ડીમોલેશન થયું હતું. ઝોનના નવા ડે.એસ્ટેટ ઓફીસર મનીષભાઈ માસ્તરે ફરીથી બાંધકામ કરવા માટે રહેમ નજર દાખવી હોવાથી તેનું પણ પુનઃ નિર્માણ થયું છે. મોની હોટેલ પાછળ બાલાજી એસ્ટેટ અને આર.કે. એસ્ટેટમાં બેરોકટોક બાંધકામ થઈ રહયા છે.
ગોકુલેશ પેટ્રોલપંપ પાછળ હોકાળાજ એસ્ટેટમાં પણ ડે.એસ્ટેટ ઓફીસરની રહેમનજરે નવા કામો શરૂ થયા છે. ઝોનના પૂર્વે.ડે.મ્યુનિ. કમીશ્નર પરાગભાઈ શાહે વિનસ ડેનીમ,રાજુ-વિકાસ, કોમલ ટેક્ષટાઈલ્સ, આર.વી. ડેનીમ, ભૂમિ ટેક્ષટાઈલ્સ, સંતોષ ટેક્ષટાઈલ્સ, અનુપમ ક્રિએશન વગેરેને બચાવવાની જવાબદારી વર્તમાન ડે.એસ્ટેટ ઓફીસરે લીધી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ઝોનના મણીનગર વોર્ડમાં પણ એક અત્યંત આશ્ચર્યજનક અને તંત્ર માટે શરમજનક કહી શકાય તેવો કેસ બહાર આવ્યો છે. મણીનગર વોર્ડના ગોરધનવાડી ટેકરા વિસ્તારમાં આવેલ રૂક્ષ્ણી પાર્ક સોસાયટીના એક મકાનમાં મોટાપાયે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું.
જેને ર૦૧૮માં તેનું ડીમોલેશન કરવા માટે ટીમ સ્થળ પર ગઈ હતી. મિલ્કત માલિકે સેલ્ફ ડીમોલેશન નો બોન્ડ લખી આપતા ટીમ પરત આવી હતી. એક વર્ષ સુધી મિલ્કત માલિકે બાંધકામ તોડયું ન હતું. ઝોનમાં ડે.એસ્ટેટ ઓફીસર તરીકે મનીષભાઈ માસ્તરની નિમણુંક થયા બાદ સદ્દર સ્થળે કોમર્શીયલ ઉપયોગ શરૂ થયો હતો. જે અંગે દેખાવ ખાતર નોટીસ આપવામાં આવી હતી.
ત્યારબાદ દિવાળી વેકેશનનો લાભ લઈને ડે.એસ્ટેટ ઓફીસરે રહેણાંક મિલ્કતમાં ૧૦૦ ટકા કોમર્શીયલ ગેરકાયદે મંજૂરી આપી હતી તથા હાલ તે સ્થળે કોમર્શીયલ બાંધકામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. જે અંગે જાગૃત નાગરીકો દ્વારા લેખિતમાં ફરીયાદ કરવામાં આવી હતી. બાંધકામ બંધ કરવામાં આવ્યું નથી. તથા તેને સીલ પણ કરવાની તસ્દી લેવામાં આવી નથી. દક્ષિણઝોન ભવનમાં ચાલી રહેલી ચર્ચા મુજબ સદ્દર બાંધકામ માટે રૂ.દસ લાખ સુધીનો વહીવટ થયો છે. સુત્રોનું માનીએ તો મનીષભાઈ આ પહેલા ઉત્તરઝોનમાં ડે.એસ્ટેટ ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા
ત્યારે પણ આ જ મોડ્સ ઓપરેન્ડી” અપનાવ્યા હતા. કુબેરનગર વોર્ડમાં “જી”વોર્ડ બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીન પર બોગસ દસ્તાવેજથી ૧૪ દુકાનો બની ગઈ છે. જેમાં મનીષભાઈનો અગ્રીમ ફાળો હતો. નોબલનગરમાં મહાલક્ષ્મી પાપડ સામે ફેકટરીનું બાંધકામ, કુબેરનગર વોર્ડમાં રાધાસ્વામી ફલેટની સામેની ગલીમાં સીલ થયેલ મિલ્કતમાં ફેકટરીનું બાંધકામ મનીષભાઈ માસ્તર નામના મહાનુભાવોની રહેમનજરે પુરા થયા હોવાના પણ આક્ષેપો થતા રહયા છે.