દક્ષિણ અમેરિકાનાં ઇક્વાડોરમાં લગભગ 70000 લોકોને નકલી કોરોના વેક્સિન લગાવવામાં આવી
ક્વિટો, કોઇ પણ રોગચાળાની બનાવટી દવાઓ બજારમાં આવી જાય છે તે જ પ્રકારે કોરોના વાયરસની પણ ડુપ્લીકેટ દવા બજારમાં વેચાતી થઇ ગઇ છે, દક્ષિણ અમેરિકાનાં ઇક્વાડોરમાં લગભગ 70000 લોકોને નકલી કોરોના વેક્સિન લગાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વેક્સિન લગાવનારી પ્રાઇવેટ ક્લિનિકે લોકોને સંપુર્ણ સુરક્ષા માટે 3-3 ડોઝ લગાવ્યા હતાં, જેમાં એક ડોઝ માટે લગભગ 1100 રૂપિયા (15 ડોલર) ચાર્જ લેવામાં આવ્યો હતો.
ટાઇમની રિપોર્ટ પ્રમાણે આ કેસ ઇક્વાડોરની રાજધાની ક્વિટોની છે, આ ક્લિનિકે લોકોને અજ્ઞાત પદાર્થનો પ્રત્યેક ડોઝ આપવા માટે લગભગ 15 ડોલરની ફિ વસુલી હતી. તથા તે ડોઝ લગાવનારાની રોગ પ્રતિકારક શક્તિ વધશે તેવો દાવો કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે લગભગ 70 હજાર લોકોને આ ડુપ્લિકેટ વેક્સિન લગાવવામાં આવી છે, જો કે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તે કેન્દ્રને સીલ કરી દીધું છે. આ ગુનેગારો લોકોને વિટામિન અને સીરમનો ડોઝ આપતા હતાં.
કોરોના રોગચાળાથી ઇક્વાડોરની હાલત કફોડી બની છે, આ દેશમાં અત્યાર સુધી 14,668 દર્દીઓનાંમ મોત અને 242,146 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે.