દક્ષિણ કોરિયામાં 33 માળના ટાવરમાં આગ લાગી
નવી દિલ્હી, દક્ષિણ કોરિયામાં 33 માળના એક ટાવરમાં ભીષણ આગ લાગી હતી. આ ટાવરમાં અનેક પરિવારો વસે છે. એ બધાંને ઊગારી લેવાના પ્રયાસો ચાલુ હતા. દરમિયાન સોશ્યલ મિડિયા પર આ ટાવરના રહેવાસીઓ માટે પ્રાર્થના અને શુભેચ્છાનો મારો થયો હતો. કોઇએ એની વિડિયો ક્લીપ પણ સોશ્યલ મિડિયા પર મૂકી હતી. આજે શુક્રવારે સવારે આ આગ લાગી હતી.
આગ કેવી રીતે લાગી એની વિગતો હજુ મળી નહોતી. ફાયર બ્રિગેડે અનેક લોકોને સહીસલામત બચાવી લીધા હતા. એ પછી પણ ટાવરમાં 88 લોકો હોવાની માહિતી મળી હતી. આ લોકો એવી રીતે ફસાયા હતા કે નીચે ઊતરવાનો કોઇ માર્ગ કે વિકલ્પ રહ્યો નહોતો.
ફાયર હેલિકોપ્ટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાયા હતા. સવારે નવ વાગ્યે આગ પર લગભગ કાબુ આવી ગયો હતો. ત્યાં સુધી અનેક લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફસાયેલા લોકોને ધૂમાડો શ્વાસમાં જવાથી થયેલી તકલીફની સારવાર અપાઇ રહી હતી.