દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ

FILE PHOTO
ગાંધીનગર, ફરી એકવાર ગુજરાત રાજ્યના હવામાનમાં પલ્ટો આવ્યો છે, એક તરફ ઉનાળો જામી રહ્યો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આગામી દિવસો પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ સિવાય માલેગાંવ, બારીપાડા, દબાસમાં પણ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના લીધે ડુંગળી, કેરી સહિતના પાકોને નુકસાન થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. ડાંગના કેટલાક ભાગોમાં બે દિવસથી વરસાદ થઈ રહ્યો હોવાનું રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે. અગાઉ હવામાન વિભાગ દ્વારા ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠાની આગાહી પણ કરી હતી.
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે તથા આગામી બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને નર્મદામાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે ૩૦-૪૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
૯ અને ૧૦ માર્ચ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની આગાહી છે. જેમાં દાહોદ, તાપી, ડાંગ અને છોટા ઉદેપુરમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે પણ વરસાદની સાથે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે.
આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ૩૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહેશે. અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહેશે.
આ સિવાય વલસાડ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા અને કેશોદમાં પણ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી રહેશે. સૌથી ઓછુ મહત્તમ તાપમાન દ્વારકામાં ૩૦ ડિગ્રી છે. રાજ્યની રાજધાનીનું મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી છે જ્યારે લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહેશે, જ્યારે સૌથી નીચુ લઘુત્તમ તાપમાન નલિયામાં ૧૪ ડિગ્રી રહેશે.
ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદના લીધે ડુંગળી, કેરીના પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ડાંગમાંથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં કેરી આવે છે આવામાં વરસાદના લીધે મોર ખરી જવાની પણ ખેડૂતોને ડર સતાવી રહ્યો છે.SSS