દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
અમદાવાદ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન રહ્યું હતું. વિવિધ વિસ્તારોમાં વરસાદ જેવું વાતાવરણ રહ્યું હતું. ગરમીની અસર પણ ઓછી નોંધાઈ હતી. હવામાન વિભાગના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગો ખાસ કરીને વડોદરા અને સુરતમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો આગામી ૨૪ કલાક દરમિયાન જાવા મળી શકે છે. હવામાનમાં આવેલા એકાએક પલટાની વચ્ચે પણ આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફારની સ્થિતિ રહી ન હતી.
રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૩૬થી પણ ઉપર પહોંચી ચુક્યો છે. આજે અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૬.૪ સુધી પહોંચી ગયું હતું જ્યારે અમદાવાદ મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી રહ્યું હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૫.૫ ડિગ્રી રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૩.૬ અને મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં આગામી ૪૮ કલાક દરમિયાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાનમાં આવેલા પલટા વચ્ચે વડોદરા અને સુરતમાં વરસાદી માહોલ રહી શકે છે.
આજે બપોરના ગાળામાં અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેતા એકાએક ગરમીનું પ્રમાણ ઘટી ગયું હતું. બીજી બાજુ ઉત્તરપૂર્વીય પવનો હાલમાં પ્રદેશમાં નિચલી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે. બેવડી સિઝનના અનુભવ અમદાવાદ શહેરમાં લોકો કરી રહ્યા છે જેથી નાના બાળકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના શિકાર થઇ રહ્યા છે. નિષ્ણાત તબીબોના કહેવા મુજબ બહારની વસ્તુઓને ટાળવાની જરૂર છે. સાથે સાથે ગરમ ચીજાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે જેમાં પેટના દુખાવાની ફરિયાદ મોટાભાગના લોકો કરી રહ્યા છે. આના માટે ફુડ પોઇઝિંનિંગની ફરિયાદો ઉઠી રહી છે.