દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સારી સંભાવના
અમદાવાદ: ફરી પાછો ક્યારે પડવાનો છે વરસાદ? આ સવાલ અંગે ચર્ચા થઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં જલદી વરસાદ થવાનો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં આજે તથા આવતીકાલે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં થયેલા વરસાદથી ખેડૂતો આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના ઉત્તર તથા મધ્ય ભાગમાં હળવો વરસાદ રહી શકે છે. ૧૬ અને ૧૭ તારીખ દરમિયાન અમદાવાદમાં થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન રાજ્યમાં અમદાવાદ સહિત દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર અને અરવલ્લી સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.
રાજ્યના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદમાં ૩૦-૪૦ કિલોમીટરની ગતિનો પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે દ્વારકા મંદિર પર પડેલી વીજળીને લોકોને હચમચાવી દીધા હતા. જાેકે, આ ઘટના દરમિયાન કોઈ જાનહાની નહોતી થઈ પરંતુ મંદિરની ધજાને નુકસાન થઈ ગયું હતું.
હિમાચલ પ્રદેશમાં વરસાદ બાદ આવેલા પૂરના કારણે ભારે આફત આવી પડી છે. જ્યારે દિલ્હીમાં થઈ રહેલા સતત વરસાદના કારણે વાતવરણ સોહામણું બન્યું છે. વરસાદની સાથે પ્રદૂષણું પ્રમાણ પણ ઘટ્યું છે. હવામાન વિભાગના આગાહી પ્રમાણે આગામી ૪-૫ દિવસ દિલ્હીમાં વરસાદ રહેવાની સંભાવના છે, જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં તોફાની વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણામાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે.