વીજ કંપનીની લાલિયાવાડીથી કંટાળી ઘમણાદ ગામે વીજ કર્મચારીઓનો ગ્રામલોકોએ ઘેરાવો કર્યો
પોતાના વીજ કર્મચારીઓનો ઘેરાવો કરતા નાયબ ઈજનેરે આમોદ પોલીસને દોડતી કરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ તાલુકાના ઘમણાદ ગામે વારંવાર વીજ ફોલ્ટ સર્જાતા ગ્રામજનો વીજ કંપનીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.ઘમણાદ ગામમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વોલ્ટેજને લઈ અવાર નવાર લાઈટો ગુલ થતાં ગામમાં પાણીનું વોટરવર્કસ બંધ રહેતા પાણીની મોટી સમસ્યાઓ સર્જાય છે અને પાણી માટે ગામની મહિલાઓએ એક કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હોય છે જે બાબતે આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીએ ગામના ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ રાજે વારંવાર લેખિતમાં તેમજ ફોનથી ફરિયાદ કરી હતી.
પરંતુ વીજ કંપનીના અધિકારીઓએ ટસના મસ ના થતા આજ રોજ રૂબરૂ રજૂઆત કરવા ગયા હતા.પરંતુ આમોદ ડીજીવીસીએલ ના નાયબ ઈજનેર અંકિત પટેલ કચેરી ઉપર હાજર ન હોતા અને તેમણે વીજળીની સમસ્યાના નિરાકરણ માટે આમોદ ડીજીવીસીએલના કર્મચારીઓને ઘમણાદ ગામ ઉપર મોકલી આપ્યા હતા.તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ના છૂટકે ગામલોકોએ ડીજીવીસીએલના અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો અને સમસ્યા હલ નહીં થાય તો અહીંથી જવા નહીં દઈએ નો ઉદ્દઘોષ કર્યો હતો.
પોતાના કર્મચારીઓનો ઘેરાવો કર્યો હોવાની જાણ આમોદ ડીજીવીસીએલના નાયબ ઈજનેર અંકિત પટેલને થતા તેમણે આમોદ પોલીસનો કાફલો ગામ ઉપર મોકલી આપ્યો હતો.છતાં ઘમણાદ ગામના લોકો લાઇટની સમસ્યાથી પીડિત હોય પોલીસની પરવા કર્યા વગર ડીજીવીસીએલના અધિકારીઓને ગામ ઉપરથી જવા દીધા ન હતા.ગ્રામલોકોનો આક્રોશ પારખી જઈ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ તાત્કાલિક ભરૂચથી બીજું ડીપી મંગાવી તેને ફિટ કરી લાઈટ ચાલુ કરવામાં આવતા વીજ કંપનીના કર્મચારીઓનો છુટકારો થયો હતો.