દક્ષિણ ઝોનના ડે. એસ્ટેટ ઓફીસરે માનવતા ગુમાવીઃ વૃધ્ધાશ્રમને નોટિસ આપી
માનવતા ગુમાવી ચુકેલા અધિકારીઓએ બિલ્ડરો સામે શરણાગતિ સ્વીકારી હોવાના આક્ષેપ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બેરોકટોક ગેરકાયદેસર બાંધકામ ચાલી રહયા છે. મ્યુનિ. એસ્ટેટ ખાતાના અધિકારીઓ વચેટિયાઓ અને કોન્ટ્રાકટરોની મજબુત સાંઠગાંઠના કારણે અનઅધિકૃત બાંધકામો સામે કાર્યવાહી થતી નથી. અનઅધિકૃત બાંધકામોમાં મોટા “વહીવટ” થતા હોવાના કારણે તમામ કાર્યવાહી માત્ર “પેપર” પર જ થાય છે. જયારે સ્થળ પર કોઈ જ કાર્યવાહી થતી નથી. મોટા બિલ્ડરો અને વચેટિયાઓ માટે લાલ જાજમ બિછાવનાર એસ્ટેટ અધિકારીઓ નાના અને નબળા માણસોને કનડગત કરે છે તેમજ કેટલાક કેસમાં તો માનવતા પણ નેવે મુકે છે. લાંભા વિસ્તારમાં આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વૃધ્ધાશ્રમને નોટિસ આપીને વોર્ડ ઈન્સ્પેકટર અને ડે. એસ્ટેટ અધિકારી હરખાઈ રહયા છે. જયારે તેમની નજર સામે ૩૦૦ જેટલા ગેરકાયદેસર બાંધકામો ચાલી રહયા છે જેની સામે શરણાગતિ સ્વીકારી છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
શહેરના છેવાડે આવેલા લાંભા વિસ્તારને ગેરકાયદેસર બાંધકામોનું હબ માનવામાં આવી રહયુ છે. આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન હજારની સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયા છે જેની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી તથા મોટાભાગના બાંધકામોનો વપરાશ પણ શરૂ થઈ ગયો છે. જયારે લાંભા ગામમાં આવેલા એક વૃધ્ધાશ્રમને એસ્ટેટ ખાતા દ્વારા ર૬૦(૧)ની નોટિસ આપવામાં આવી છે. સદ્ર વૃધ્ધાશ્રમમાં રહેતા સીનિયર સીટીઝન્સની સુવિધા માટે તેમની માલિકીની જગ્યામાં થોડુ ઘણું બાંધકામ શરૂ કરવામાં આવ્યુ હતુ. આ બાબતની જાણ થતા વોર્ડ ઈન્સ્પેકટર સુનિલ રાણાએ રૂબરૂ જઈને વૃધ્ધાશ્રમના સંચાલકોને નોટિસ આપી હતી જેના કારણે સંચાલકો તથા તેમાં રહેતા સીનીયર સીટીઝન્સમાં ફફડાટ વ્યાપી ગયો છે. દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ મંજુરી વિના બાંધકામ થઈ રહયુ હોવાથી નોટિસ આપી છે.
કાયદાની દ્રષ્ટિએ તેમની વાત બરાબર છે. પરંતુ સુનિલ રાણાના વોર્ડમાં છેલ્લા એક વર્ષમાં ર૦૦ કરતા વધારે અન અધિકૃત બાંધકામ થયા છે. જે પૈકી એકપણ બાંધકામને તોડવામાં આવ્યુ નથી. વોર્ડ ઈન્સ્પેકટર સુનિલ રાણાની ગેરકાયદેસર મામલે પહેલેથી જ છબી ખરડાયેલ છે તેઓ પાંચ વર્ષ કરતા પણ વધુ સમયથી લાંભા વોર્ડમાં જ અડ્ડો જમાવીને બેઠા છે. થોડા સમય પહેલા તેમની ઉત્તરઝોનમાં બદલી થઈ હતી પરંતુ “મેડીકલ”ના કારણો દર્શાવીને તેઓ ત્રણ મહીનામાં જ દક્ષિણ ઝોન અને લાંભા વોર્ડમાં પરત ફર્યા હતા. નોંધનીય બાબત એ છે કે સુનિલ રાણા ખાડીયા વિસ્તારમાં રહે છે ખરેખર શારિરીક મુશ્કેલી હોય તો તેમની મધ્યઝોનમાં ટ્રાન્સફર કરીને “ટેબલ વર્ક” આપવામાં આવે તેવી રજુઆત પણ થઈ રહી છે. લાંભા ગામના વૃધ્ધાશ્રમને નોટિસ આપવામાં ઝોનના ડે. એસ્ટેટ ઓફીસરનો ફાળો પણ મહત્વનો છે.
લાંભા વોર્ડના વૃધ્ધાશ્રમને નોટિસ આપીને હરખાતા ડે. એસ્ટેટ ઓફીસરીન રહેમનજરે સેંકડો બાંધકામ ચાલી રહયા છે જે પૈકી ર૬૦ બાંધકામોની થોડા સમય પહેલા જ ટી.પી ચેરમેન સામે કબુલાત કરી છે. ઝોનના ડે. એસ્ટેટ ઓફીસરની છબિ ઈસનપુર વોર્ડમાં ચાલતા બાંધકામના કારણે વધુ ખરડાઈ છે. ઈસનપુર બ્રીજ પાસે આવેલ પ્રવિણ કોલોનીમાં આશાપુરી સ્ટીલ ફર્નિચરની બાજુમાં કોમર્શીયલ પ્રકારનું બાંધકામ થઈ રહયુ છે જેને બે વખત સીલ કરવામાં આવ્યા બાદ પણ બાંધકામ પૂર્ણ થયુ છે. ચોંકાવનારી બાબત એ છે કે જે બાંધકામ પૂર્ણ થયુ છે તેની બાજુમાં નવુ બાંધકામ શરૂ થઈ ગયુ છે. આમ, એક જ પ્લોટમાં અંદાજે ત્રણ હજાર ચોરસ મીટરના બાંધકામ મંજુરી વિના થયા છે. જે બે વખત સીલ થવા છતાં પુરા થયા છે. તેમ છતાં કોઈ જ કાર્યવાહી ડે. એસ્ટેટ ઓફીસર દ્વારા થઈ નથી. ઈસનપુર વોર્ડમાં જ ધર્મદેવનગર સોસાયટી અને સિધ્ધનાથ સોસાયટી પાસે પણ કોમર્શીયલ બાંધકામ ચાલી રહયા છે લાંભા વોર્ડમાં અંબિકા ગ્લાસના બાંધકામને બે વર્ષ અગાઉ તોડી પાડવામાં આવ્યા બાદ ફરીથી બાંધકામ થયુ છે.
લાંભા (પૂર્વ) વોર્ડમાં બાલાજી એસ્ટેટ અને આર.કે. એસ્ટેટમાં ૮૦ ટકા ગેરકાયદેસર બાંધકામો છે. જે બેરોકટોક ચાલી રહયા છે. લાંભા વોર્ડમાં જ સરદાર પટેલ એસ્ટેટ પ્લોટ નં ૩૦ અને ૩૧ માં પણ મંજુરી વિના બાંધકામ થઈ રહયા છે. બહેરામપુરા વિસ્તારમાં પણ ડે એસ્ટેટ ઓફીસરની અમી દ્રષ્ટિએ મોટાપાયે બાંધકામ થઈ રહયા છે. ભારત સીમેન્ટની ગલીમાં છેલ્લા એક વર્ષથી બાંધકામ તોડવાના નાટક ચાલી રહયા છે જેનો વપરાશ પણ શરૂ થઈ ગયો છે. દાણીલીમડા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર પાછળ રીઝર્વેશન પ્લોટમાં બાંધકામ થયુ છે. ખોડીયારનગરથી સુએજ ફાર્મ રોડ પર ૧૦૦ કરતા વધુ બાંધકામો થયા છે. છીપા સોસાયટીમાં કોમર્શીયલ પ્રકારના દસ ગેરકાયદેસર બાંધકામ છે. શક્તિ સોસાયટીની અંદર લગભગ ત્રણ જેટલા બાંધકામ ચાલી રહયા છે. શિવમ્ એસ્ટેટમાં પણ મોટાપાયે બાંધકામ થઈ રહયા છે.
લાંભામાં વૃધ્ધાશ્રમને નોટિસ આપનાર વોર્ડ ઈન્સ્પેકટરના વિસ્તારમાં શ્યામ ટેક્ષટાઈલ, કોમલ ટેક્ષટાઈલ, આર.વી. ડેનિમ સહીત અનેક ફેકટરીઓમાં મંજુરી વિના બાંધકામ થયા છે તેની સામે કાર્યવાહી કરવાની નૈતિક હિંમત વોર્ડ ઈન્સ્પેકટર અને ડે. એસ્ટેટ ઓફીસર ગુમાવી ચુકયા હોવાથી સીનિયર સીટીઝન્સને કનડગત કરી રહયા હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહયા છે.