દક્ષિણ ઝોનની ઘટના : મ્યુનિ. કમિશ્નરના પરિપત્રના લીરા ઉડાવતા ડે. એસ્ટેટ ઓફીસર
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાલી રહયુ છે તે બાબત સર્વે…. છે પરંતુ કેટલાક અધિકારીઓ કમિશ્નરથી પણ સવાયા સાબિત થઈ રહયા છે તથા મ્યુનિ. કમિશ્નરે જાહેર કરેલા પરિપત્ર કે આદેશનો પણ અમલ કરતા નથી. દક્ષિણ ઝોનના ડે. એસ્ટેટ ઓફીસરે આ બાબત સાર્થક કરી છે.
મ્યુનિ. કમિશ્નર તરફથી ર૧ માર્ચ ર૦ર૦ના રોજ સરક્યુલર નંબર ૧૬ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે બિન અધિકૃત બાંધકામો ન તોડવા માટે આદેશ આપવામાં આવ્યો હતો તેમજ અન્ય પરિપત્ર ન થાય ત્યાં સુધી આદેશનો ચુસ્ત અમલ કરવા ખાસ સુચના આપવામાં આવી છે. મ્યુનિ. કમિશ્નરના સદર પરિપત્રનો ૦૬ ઝોનમાં ચુસ્ત અમલ થઈ રહયો છે. પરંતુ દક્ષિણ ઝોનના ડે. એસ્ટેટ ઓફીસર મનીષભાઈ માસ્તર કમિશ્નર પરિપત્રની દરકાર રાખતા નથી. જેના કારણે જ તેમણે ગુરુવારે લાંભા વોર્ડમાં એક નાના અન અધિકૃત બાંધકામને તોડવા આદેશ આપ્યો હતો તથા તેનો અમલ પણ કરાવ્યો હતો. સુત્રોએ જણાવ્યા મુજબ લાંભા (પૂર્વ) વોર્ડમાં ૧૦ ટ૧૦ ફૂટની પાંચ ઓરડીઓ બની રહી હતી જેને તોડવામાં આવી છે.
દક્ષિણ ઝોનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ડે. એસ્ટેટ ઓફીસર મનસ્વી નિર્ણય કરી રહયા છે. ઈસનપુર વોર્ડમાં પ્રવીણ કોલોનીમાં બે માળનું કોમર્શીયલ બાંધકામ ચાલી રહયુ છે. જેને બે વખત સીલ કરવામાં આવ્યુ હોવા છતાં બાંધકામ ચાલી રહયુ છે. તેમ છતાં ડે. એસ્ટેટ ઓફીસર આંખ આડા કાન કરી રહયા છે. ઈસનપુર વોર્ડમાં જ જયકૃષ્ણ સોસાયટીમાં (નટરાજ બેકરી સામે) રહેણાંક મિલ્કતમાં કોમર્શીયલ બાંધકામ થઈ રહયુ છે તેમાં પણ ડે. એસ્ટેટ ઓફીસરની રહેમ નજર છે. ઈસનપુર વોર્ડમાં આનંદવાડી પાસે ડો. સૌરિન ઉપાધ્યાયના દવાખાનામાં પાર્કીંગ અને માર્જિનમાં દબાણ છે તેમજ ટેરેસ ઉપર પણ દબાણ કરવામાં આવ્યું છે. પાર્કીંગમાં થયેલા દબાણના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ જાય છે
હોસ્પીટલમાં આ પ્રકારના અનઅધિકૃત દબાણ થવાના કારણે કોઈપણ પ્રકારની દુર્ઘટના થઈ શકે છે. તેમ છતાં ડે. એસ્ટેટ ઓફીસર આ પ્રકારના દબાણને દુર કરવાની તસ્દી લેતા નથી. મણીનગર વોર્ડમાં રૂક્ષ્મણી પાર્ક સોસાયટીમાં રહેણાંક મિલ્કતના સ્થાને કોમર્શીયલ બાંધકામ થયું છે. દક્ષિણ ઝોન કચેરીથી માત્ર પ૦૦ મીટરના અંતરે સેલતભુવન પાસે શીવાલીક બિલ્ડીંગમાં રસના-ટુ નામની હોટેલ કાર્યરત છે.
બિલ્ડીંગના ટેરેસ પર હોેટેલના માલિકે ૧૦૦ ટકા શેડ/ દબાણ કર્યા છે તેની તરફ ડે. એસ્ટેટ ઓફીસર કાર્યવાહી કરતા નથી મણીનગર રાધા વલ્લભ ચાર રસ્તા પાસે દેવદર્શન કોમ્પલેક્ષના પાર્કીંગ અને સેલરમાં દબાણ છે તેને તોડી પાડવામાં મહાશય ડરી રહયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં બેરોકટોક ગેરકાયદે બાંધકામ થઈ રહયા છે. બહેરામપુરામાં ભારત સીમેન્ટની ગલીમાં દિવાળીના દિવસે બાંધકામ તોડવા માટે ટીમ મોકલી હતી
ત્યારબાદ ટીમને પરત બોલાવી હતી. ડે. એસ્ટેટ ઓફીસરની મહેરબાનીથી આ બિલ્ડીંગનો વપરાશ શરૂ થઈ ગયો છે. ….. વિસ્તારમાં મનપાની જમીન પર ર૦૦ કરતા વધુ અન અધિકૃત બાંધકામ થઈ ગયા છે તેની તરફ લેશમાત્ર ધ્યાન આપવામાં આવી રહયુ નથી. લાંભા વોર્ડમાં જ ઈસનપુર ટી.પી. પપ અને પ૬ ની અંદાજે બે લાખ ચોરસ મીટર રીઝર્વ જમીન પર બાંધકામો થયા છે તે પૈકી બે હજાર ચોરસ મીટર જમીનનો કબજાે પરત લેવાની હિંમત મનીષભાઈ માસ્તર દાખવી શકયા નથી. જયારે માત્ર અહંમને પોષવા અથવા અહંમ ન સંતોષાતા મ્યુનિ. કમિશ્નર પરિપત્રના લીરા ઉડાવીને પાંચ નાની ઓરડી તોડવા આદેશ કરીને તોડાવી છે. અહીં નાની ઓરડીને બચાવવાના કોઈ જ પ્રયાસ નથી. કોઈપણ ગેરકાયદે બાંધકામ હોય તેને દુર કરવા જાેઈએ. પરંતુ તેના માટે સમાન નીતિ હોવી જાેઈએ. મોટા માથાઓ સામે શરણાગતિ સ્વીકારીને નાના બાંધકામ તોડવામાં કોઈ બહાદુરી નથી તે પણ કમિશ્નર પરિપત્રના ધજાગરા કરીને..?