દખલ સહન નહીં કરવામાં આવે, યુક્રેનનો સાથ આપનારા દેશો પર હુમલો કરવા પુતિનની ધમકી

મોસ્કો, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ મામલે હસ્તક્ષેપ કરનારા કોઈ પણ દેશ પર હુમલો કરવા માટે ધમકી આપી છે. પુતિને જણાવ્યું હતું કે, રશિયા પાસે જે દેશો યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લેશે તેવા દેશો પર તાત્કાલિક હુમલો કરવા માટે જરૂરી એવા તમામ સાધનો છે.
રશિયાએ સંયુક્ત રાજ્ય અમેરિકાને યુક્રેનને હથિયારો મોકલવાનું બંધ કરવા માટે ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમી દેશો તરફથી હથિયારોની મોટા પાયે ડિલિવરી થઈ રહી છે તે યુદ્ધને વધુ ભડકાવી રહી છે.
પુતિને સાંસદોને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, પશ્ચિમી દેશો ભેગા મળીને રશિયાને અલગ-અલગ ટુકડાઓમાં વહેંચવા માગે છે. આ સાથે જ તેમણે પશ્ચિમી દેશો પર એવો આરોપ લગાવ્યો હતો કે, તેમણે યુક્રેનને રશિયા સાથેના યુદ્ધમાં ધકેલ્યું છે.
પુતિને જણાવ્યું કે, જો કોઈ અમારા યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાની ઈચ્છા ધરાવે છે અને રશિયા માટે કોઈ પ્રકારે જોખમ સર્જશે તો એ અમારા માટે અસ્વીકાર્ય છે. આવું બનશે તો અમે એવા દેશો સામે જવાબી કાર્યવાહી કરીશું. આ માટે અમારી પાસે પૂરતા હથિયારો છે. અમને ઘમંડ નથી પરંતુ જરૂર પડશે તો અમે તે હથિયારોનો ઉપયોગ કરીશું જેથી સૌને તેની ખબર પડે.