દડવી ગામે વૃદ્ધાની હત્યા કરી લૂંટ ચલાવનાર દંપતી ઝડપાયું

ધોરાજી,દડવી ગામની સીમમાં આવેલા અવાવરૂ ખાલી કૂવામાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક મહિલા દડવી ગામના નાગલબેન નાથાભાઈ ચાવડા નામના વૃદ્ધા હોવાનું ખુલ્યું હતું.તેમજ મૃતક નાગલબેનના ઘરમાંથી મોબાઈલ-દાગીના સહિતનાની લૂંટ ચલાવવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે બાતમીના આધારે ચંદુ ગોકળભાઈ મકવાણા અને તેની પત્ની હંસાબેનને ઝડપી લઈ આકરી પુછતાછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો પોલીસે હત્યારા દંપતીની ધરપકડ કરી હતી.
પોલીસની વધુ તપાસમાં મૃતક નાગલબેન એકલા રહેતા હોય અને અવાર નવાર શાકભાજી લેવા જતા હોય ચંદુ મકવાણા પરીચીત હતો અને આર્થિક ભીંસ હોય ચંદુ મકવાણા અને તેની પત્ની હંસાબેને કાવત્રુ ઘડયું હતું અને નાગલબેનના ઘરમાં ઘુસી ગળેટૂંપો દઈ મોઢે ડુમો આપી હત્યા નિપજાવી હતી અને સોનાના બુટીયા અને મોબાઈલ સહિત રૂા.૩૦૯પ૦ની મત્તાની લૂંટ ચલાવી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.