Western Times News

Gujarati News

દમણ દૂણેઠામાં જળ શક્તિ અને પોષણ અભિયાનથી ગ્રામજનોને જાગૃત કરાયા

(પ્રતિનિધિ) વલસાડ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ ઉપર જળશક્તિ અને પોષણ અભિયાન અંતર્ગત નાની દમણ દૂણેઠા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામસભા દરમ્યાન ઉપસ્થિત ગ્રામજનોને વરસાદી પાણીનો સંગ્રહ તથા પોષણ કાર્યક્રમ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

જળસંગ્રહ બાબતે ગ્રામસભામાં તજજ્ઞોએ ગ્રામજનોને વરસાદી પાણીને બોરવેલ, તળાવ, ભુગર્ભમાં સંગ્રહ કરવાની રીત- પદ્ધતિઓ સમજાવી હતી. ગ્રામજનોને સમજાવાયું હતું કે વરસાદી પાણીને ગટર-નાળામાં બરબાદ થવા દેવું જાઈએ નહિ, પરંતુ પાઈપ અને અન્ય સાધનોનો ઉપયોગ કરી વરસાદી પાણીને બોરવેલની અંદર પહોંચાડવાની સગવડ કરવી જાઈએ. આ પ્રકારે ભૂગર્ભ જળના સ્તર બનાવી રાખવામાં મદદ મળશે એજ પ્રકારે ગામના તળાવોને વધુ ઉંડા કરી પાણી સંગ્રહ કરી શકાય અને એ પાણીને શુદ્ધ કરી ગ્રામજનોના ઉપયોગમાં લઈ શકાય છે.

ગ્રામસભામાં સરકાર દ્વારા સંચાલિત પોષણ અભિયાન બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા કે, આ યોજના કેવી રીતે લાભદાયક નિવડી શકે છે. બાળકોને કુપોષણથી બચાવવા તથા યુવતી અને ગર્ભવતી મહિલાઓને પોષણ માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા કારગત પગલાં બાબતે ગ્રામજનોને જાણકારી આપી હતી. દુણેઠાના અગ્રણી ભરતભાઈ પટેલે ગ્રામસભામાં થયેલી ચર્ચા બાબતે જાણકારી આપી હતી કે, ગ્રામસભામાં ઉપસ્થિત તજજ્ઞોએ ગ્રામજનોને પાણીનો સંગ્રહ અને તેના ઉપયોગ અંગે જાણકારી આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે દૂણેઠા પંચાયત જળ સંગ્રહ સહિત તેના અન્ય ઉપાયો પર અમલ કરવા કટિબદ્ધ છે પરંતુ પ્રશાસને પણ લોકોને પાણી પુરવઠાની સમસ્યાને પ્રાથમિકતા આપી હલ કરવાની દિશામાં પગલાં ભરવા જોઈએ.

જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી પી.એસ. જાનીએ ગ્રામસભા બાબતે જાણકારી આપતા જણાવ્યું હતું કે જળસંગ્રહ પાણીની સમસ્યા દુર કરવા તથા પોષણ અભિયાન બાબતે આપેલી જાણકારીઓ તાકીદે અમલ કરવો જાઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુણેઠા ગ્રામ પંચાયતની જે પણ જરૂરિયાત અને સમસ્યા હશે તેના ઉપર ધ્યાન આપવામાં આવશે. નોંધનીય છે કે, પ્રશાસન દ્વારા સમગ્ર દમણમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રદેશની દરેક ગ્રામ પંચાયતો અને શાળાઓ ભાગ લઈ રહી છે. જેમાં ગ્રામજનોનો સહયોગ અતિ આવશ્યક છે. આ અવસરે જિલ્લા પંચાયત મુખ્ય કાર્યકારી અધિકારી પી.એસ. જાની, બી.ડી.ઓ. પ્રેમજીભાઈ મકવાણા, આઈ.સી.ડી.એસ. સલાહકાર જયેશ જાશી, દૂણેઠાના ભરતભાઈ પટેલ સહિત પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.