દમણ: પરિયારી ગ્રામ પંચાયત પ્રધાનમંત્રીના ‘ફિટ ઈન્ડિયા અભિયાન’ સાથે જાડાયું

(પ્રતિનિધિ) વલસાડ, રાષ્ટ્રીય સ્પોર્ટસ ડે ના સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહના જન્મ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે ફિટ ઈન્ડિયા મુવમેન્ટનો શુભારંભ કરાવ્યો છે. જેના અનુસંધાનમાં સંઘપ્રદેશ દમણના પરિયારી ગ્રામ પંચાયત દ્વારા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ફિટ ઈન્ડિયા મુવમેન્ટના લોન્ચિંગનું જીવંત પ્રસારણ બતાવી પરિયારીવાસીઓને અભિયાનમાં જોડવાની શરૂઆત કરી હતી.
પરિયારી પંચાયતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દોડનું આયોજન કરી ફિટ ઈન્ડિયા અભિયાનનું વ્યવહારિક મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. રમત અને કસરત દ્વારા ચુસ્ત- તંદુરસ્ત રહેવા તથા બીજાને પણ પ્રેરિત કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. પરિયારી પંચાયતના પૂર્વ સરપંચ ભાવિક હળપતિ અને પંચાયત સેક્રેટરી નિખિલ મિટનાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી લોકોને ફિટ ઈન્ડિયા મુવમેન્ટમાં જાડવા પર ભાર મુકયો હતો. શ્રીભાવિક હળપતિએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ફિટ ઈન્ડિયા મુવમેન્ટ એક મહત્વપૂર્ણ પગલું છે. પરિયારી પંચાયત જેનો વ્યવહારિક રૂપમાં અમલ કરશે.
જેમા ગામના તમામ યુવાનોની ભાગીદારી રહેશે તથા પ્રશાસને ગ્રામજનો માટે રમતનું આયોજન કરવું જાઈએ. રમતમાં લોકોની સામાજીક ભાગીદારી ફિટ ઈન્ડિયા અભિયાનને વધુ વેગ આપશે. ભાવિક હળપતિએ વધુમાં જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં બાળકો કબડ્ડી, ખો-ખો જેવી પરંપરાગત રમતોથી દૂર થતા જઈ રહ્યા છે અને મોબાઈલ ફોન બાળકોની પ્રથમ પસંદગી બની રહ્યો છે. ફિટ ઈન્ડિયા આ ઉણપને દૂર કરી બાળકો અને વડિલોને ફરીથી રમત તરફ લાવવામાં સફળ થશે. નોંધનીય છે કે ખેલ ઈન્ડિયાનો ઉદેશ્ય લોકોને રમત પ્રત્યે જાગૃત કરવાનો છે. ગામ, પંચાયત, શહેર, જિલ્લામાં વિવિધ કક્ષાએ રમત કાર્યક્રમના માધ્યમથી લોકોને ચુસ્ત- તંદુરસ્ત રહેવા પ્રેરિત કરશે.*