દયાળુ બનશો તો સુખી-સ્વસ્થ રહેશો
દયાભાવના રાખવી કે દયાનું પ્રદર્શન કરવું એ કોઈ ધાર્મિક, સામાજિક કે સાંસ્કૃતિક વિચારધારા કે કોઈ એક દેશ, ધર્મ, જાતિ કે સંપ્રદાય સાથે સંબંધિત નથી, પરંતુ જીવનનો આધાર છે
સંસારના કેટલાક દેશોમાં દર વર્ષે નવેમ્બર મહિનામાં કાઈન્ડનેસ ડે (દયા દિવસ) મનાવવામાં આવે છે. તેની શરૂઆત ૧૯૯૮માં થઈ હતી. આ દિવસે એવું કોઈ કામ કરવાનું ચલણ શરૂ થયું જેના કારણે બીજા કોઈ અજાણ્યા કે જાણકાર પરિવાર અથવા સંબંધી, મિત્ર કે અચાનક કોઈ પણ કારણે કે અકારણે મળેલી વ્યક્તિની સહાયતા તથા તેના પ્રત્યેનું સન્માન પ્રકટ કરી શકાય.
તેની શરૂઆત એ રીતે થઈ કે જાપાનના ટોકિયોમાં કેટલાક લોકોએ વિચાર્યું કે આજે જયારે માનવીય સંબંધોનો આધાર માત્ર વેપાર કે પૈસા કમાવવાનો જ રહી ગયો છે, તો ક્યાંક મનુષ્યો માત્ર મશીન બનીને રહી ગયા છે. તેથી વર્ષમાં એક દિવસ એવો ઉજવવો જાેઈએ કે દયાભાવના સમાપ્ત ન થાય. આ રીતે ૧૯૯૮માં ૧૩ નવેમ્બરના દિવસે વર્લ્ડ ફાઈન્ડનેસ ડે મનાવવાની શરૂઆત થઈ.
તેમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, થાઈલેન્ડ, ભારત જેવા દેશ જાેડાયા અને ધીમે ધીમે તેનો આકાર વધતો ગયો. આજે આ દિવસ ર૮ દેશોમાં મનાવવામાં આવે છે. હજુ તેને સંયુકત રાષ્ટ્ર જેવા વિશ્વ સંગઠનોની સ્વીકૃતિ મળી નથી. કેમકે બની શકે કે તેના સ્થાપિત માપદંડો હજુ પુરા થયા ન હોય. આ દિવસનું મહત્વ દર વર્ષે વધી રહ્યું છે તેનો ઉદેશ માત્ર એટલો જ છે કે લોકોમાં એક બીજા માટે દયાભાવ સમાપ્ત ન થાય અને ધનાઢય બનવાની હોડમાં માણસોને ભુલવામાં ન આવે.
જિંદગીમાં એવું કંઈક અવશ્ય કરવું જાેઈએ જેના લીધે લાગે કે આપણે લોખંડ કે સિમેન્ટનાં જંગલોમાં નહીં, પરંતુ માણસોની વસ્તીમાં રહીએ છીએ. દયાભાવના રાખવી કે દયાનું પ્રદર્શન કરવું એ કોઈ ધાર્મિક, સામાજિક કે સાંસ્કૃતિક વિચારધારા કે કોઈ એક દેશ, ધર્મ, જાતિ કે સંપ્રદાય સાથે સંબંધિત નથી, પરંતુ જીવનનો આધાર છે.
પોતાના અહંકારને વશીભૂત થઈને તેને ન માનીએ તો તેનાથી કોઈ ફર્ક પડતો નથી, કેમકે આ ભાવના સંપર્કમાં આવવાથી ઝડપથી ફેલાય છે અને તેની કોઈ સીમારેખા નથી. વ્યક્તિ ભલે કોઈ અન્ય વ્યક્તિ માટે દયાભાવના ન રાખે, પરંતુ તેણે ખુદ માટે તો આ રાખવું જ પડે છે. જાે એમ ન થાય તો મનુષ્ય અને પશુઓમાં કોઈ અંતર રહેતું નથી.
કોઈની દુવિધા પરેશાની, મુસીબત કે તેની ઉપર આવેલી વિપત્તિનો અનુભવ કરીને સ્વાર્થ, લોભ, લાલચ અથવા બદલામાં કંઈ પ્રાપ્ત ન કરવાની ઈચ્છા ન રાખીને મદદ કરવી તેનું જ નામ દયા છે. જયારે કોઈ વ્યક્તિ આમ કરે છે તો તેના મનમાં સકારાત્મકતા અને રહસ્યમય પ્રફુલ્લતાનો પ્રવેશ અજાણ્યા જ થઈ જાય છે. શરીરમાં હળવાશ અનુભવાય છે. ચહેરા પર ખુશી આવે છે અને મનમાં સંતોષનો અનુભવ થાય છે.
આ અંગે મેડિકલ સાયન્સ પણ કહે છે કે પોતાના કે કોઈ અન્યના ભલા માટે જયારે કોઈ કામ કોઈ બદલાની અપેક્ષા વગર કરવામાં આવે છે તો આપણા સ્નાયુ તંત્રથી એક રાસાયણિક દ્રવ્ય બનીને મગજ સુધી પહોંચી જાય છે, જે આપણને પ્રસન્ન રાખે છે. કોઈની સાથે ભાવનાત્મક રીતે જાેડાતા ગરમીનો અહેસાસ થાય છે. જેના લીધે આપણું હ્ય્દય સ્વસ્થ રહે છે અને દિલની બીમારીની આશંકા રહેતી નથી.
આ રાસાયણિક ક્રિયાનો પ્રભાવ આપણી પાચન શક્તિ પર પણ પડે છે. કોઈની મદદ કરવાથી કે તેની સાથે દયાળુ વ્યવહાર કરવાથી પેટ કે છાતીમાં બળતરા થતી નથી. ભોજનને યોગ્ય રીતે પચવામાં સરળતા રહે છે. આ સાથે તેનો એક પક્ષ એ પણ છે કે જયારે મન ખુશ રહે છે ત્યારે શરીર માટે ટોનિકનું કામ કરે છે તે આયુષ્યને લાંબું કરવાનું પણ કામ કરે છે.
શારીરિક રીતે સ્વસ્થ અને રાસાયણિક રીતે તરોતાજા રહેવા માટે આ એક અચૂક અને વૈજ્ઞાનિક સિદ્ધ ઉપાય છે. જયારે કોઈ વ્યક્તિની આપણે કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વગર મદદ કરીએ છીએ તો તેના ચહેરા પર એક સ્માઈલ જાેવા મળે છે તેના કિરણો આપણા સુધી પણ પહોંચે છે તેની અસર આપણા શરીર અને મન પર પડે છે.
દયાનો અર્થ આપણા તણાવને ઘટાડવાનો પણ છે. તેનું પરિણામ એ આવે છ ેકે ચિંતા, ઉદાસી, ચીડિયાપણું વગેરેમાંથી આપણને મુક્તિ મળે છે. દયાનો અર્થ માત્ર કોઈની મદદ કરવી જ નથી, પરંતુ કોઈને તક આપવી, લાંબી લાઈનમાં ઉભા હોય તો કોઈને સહેજ આગળ જવા દેવા, પોતાના સ્પર્શથી કોઈની ઉદાસી દૂર કરવી, કન્ફયુઝ થયેલી કોઈ વ્યક્તિને રાહ બતાવવી તે પણ છે.