દરજીની હત્યા કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ
ઉદયપુરમાં દરજીની હત્યા બાદ રાજ્યમાં તણાવ: દરજીની હત્યા કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરાઈરાજસ્થાનમાં આગામી ૨૪ કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી, તમામ જિલ્લામાં મહિના સુધી ૧૪૪મી કલમ લાગુ કરવા નિર્દેશ
ઉદયપુર,રાજસ્થાનના ઉદયપુરમાં કન્હેયાલાલ સાહૂ નામના એક દરજીની હત્યા બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને અપરાધીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને લોકોને શાંતિ જાળવી રાખવા વિનંતી કરી હતી. ઉદયપુર ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એસઓજીએડીજી અશોક રાઠોડ, એટીએસ આઈજી પ્રફુલ્લ કુમાર અને એક એસપી અને એડિશનલ એસપી હશે.
પોલીસ અને તંત્ર દ્વારા આ મામલાને નિયંત્રણમાં લેવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં આગામી ૨૪ કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવ ઉષા શર્માએ મંગળવારે સાંજે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી અને તમામ વિભાગીય કમિશનરો, પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટને સમગ્ર રાજ્યમાં વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
સરકારી નિવેદનોમાં મુખ્ય સચિવે કાયદો વ્યવસ્થા બનાવી રાખવાની દ્રષ્ટિથી રાજ્યમાં આગામી ૨૪ કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવા તથા બધા જિલ્લાઓમાં આગામી એક મહિના સુધી ધારા ૧૪૪ લાગુ કરવા અને શાંતિ સમિતિની બેઠક આયોજિત કરવા અને ઉદયપુર જિલ્લામાં આવશ્યક્તા અનુસાર કર્ફ્યુ લગાવવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્ય સચિવે બધા વિભાગીય કમિશનરોને નિર્દેશ આપ્યો છે કે, ઉદયપુરની ઘટનાના વીડિયોને મોબાઈલ તથા અન્ય માધ્યોમોથી થતા પ્રસાર પર સખ્તીથી પ્રતિબંધ લગાવવામાં આવે. આની સાથે જ વીડિયોને પ્રસાર કરનાર લોકો પર નિયમ પ્રમાણે કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે. કેન્દ્ર ઉદયપુરમાં મંગળવારે કરવામાં આવેલી એક દરજીની હત્યાને આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે.
એક તપાસ ટીમ મોકલવામાં આવી છે જેમાં આતંકવાદ વિરોધી એજન્સી એનઆઈએના અધિકારીઓ સામેલ છે કારણ કે, પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે, હુમલાખોરોના આઈએસઆઈએસસાથે સંબંધ હોઈ શકે છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતીકડક ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધાયા બાદ આ કેસ તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
આ ઘટના બાદ કોમી તંગદિલી સર્જાતા ઉદયપુર શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. હુમલાખોરોએ નૂપુર શર્માનો પણ પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો હતો જેમને પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. ધોળા દિવસે હત્યાને અંજામ આપતા આરોપીઓએ ગુનાની કબૂલાત કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો અને પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમાંથી એકે પોતાની ઓળખ રિયાઝ અખ્તારી તરીકે આપી હતી.
રાજસમંદના પોલીસ અધિક્ષક સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે, બંને આરોપીઓ હેલ્મેટ પહેરીને મોટરસાઇકલ પર ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ ભીમા વિસ્તારમાં નાકાબંધી દરમિયાન તેમની ધરપકડ કરીલેવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પ્રમાણે બંને આરોપીઓ ધાનમંડી પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત દરજીની દુકાન પર બપોરના સમયે પહોંચ્યા હતા. આરોપીમાંથી એકે પોતાને ગ્રાહક જણાવ્યો હતો તેથી દરજીએ તેનું માપ લેવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન તેણે દરજી પર હુમલો કર્યો હતો. બીજા આરોપીએ મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. વિડિયો પ્રમાણ જ્યારે દરજી માપ લઈ રહ્યો હતો ત્યારે રિયાઝે અચાનક તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા અને બાદમાં અન્ય એક વીડિયોમાં તેઓએ ગુનો કર્યાની પુષ્ટિ કરી હતી.
આ ઘટના સામે આવ્યા બાદ તેના વિરોધમાં સ્થાનિક બજારોમાં દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી ગેહલોતે ટ્વીટર પર જનતાને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી અને વીડિયો શેર ન કરવા જણાવ્યું હતું.
આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ જણાવ્યું હતું કે, આ મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાની હેઠળની રાજ્ય સરકારની ‘તુષ્ટિકરણની રાજનીતિ’ નું પરિણામ છે. આ ઘટનાની નિંદા કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ધર્મના નામે બર્બરતા સહન કરી શકાય નહીં અને આતંક ફેલાવનારાઓને કડક સજા મળવી જાેઈએ.SS2KP